વૈશ્વિક સ્તરે યુદ્ધ અને ભૌગોલિક તણાવ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે. વિશ્વ બેંક બાદ હવે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ પણ ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન વધારીને 7 ટકા કર્યું છે. અગાઉ આ અનુમાન 6.4 ટકા હતું.
IMFના અહેવાલ મુજબ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં સ્થાનિક માંગ તથા સર્વિસ સેક્ટરની મજબૂતી ભારતના વિકાસને વેગ આપશે. વિશાળ સ્થાનિક બજાર, અનુકૂળ વસ્તી માળખું અને નીતિગત સુધારાઓ પણ આર્થિક પ્રગતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
IMFના ઓક્ટોબર 2026ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં ભારતના વિકાસની સંભાવનાઓ મજબૂત દર્શાવવામાં આવી છે. બીજી તરફ, વૈશ્વિક અર્થતંત્રનો વિકાસદર ચાલુ વર્ષે 3.1 ટકા અને 2027માં 3.4 ટકા રહેવાનો અંદાજ છે. ચીનનો વિકાસદર 2026માં 4.5 ટકા અને 2027માં ઘટીને 4 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.









