લીંબડીમાં ઉઘરાણીના વિવાદે હિંસક વળાંક લીધો : ફાયરિંગમાં યુવક ઘાયલ, કારના કાચ તૂટ્યા

મોટા ટિંબલા રોડ પર મોડી રાત્રે જૂથ અથડામણ; હરિરાજસિંહ રાણાને ખભામાં ગોળી વાગી, ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર: લીંબડીમાં પૈસાની ઉઘરાણીના મામલે જૂથ અથડામણ અને ફાયરિંગની ઘટના સામે આવી છે. મોટા ટિંબલા રોડ પર મોડી રાત્રે બનેલી આ ઘટનામાં હરિરાજસિંહ વિરમસિંહ રાણાને ખભાના ભાગે ગોળી વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અથડામણ દરમિયાન એક કારના કાચ પણ તૂટી ગયા હતા.

પ્રાથમિક વિગતો મુજબ, જૂના નાણાકીય વ્યવહાર અને ઉઘરાણીના મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન સામસામે અથડામણ થઈ હતી અને એક શખ્સે પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે. ગોળી વાગતાં એક યુવક ઘાયલ થયો હતો.

ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા ઉર્ફે જેડી, મયુરસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ વાઘેલા ઉર્ફે ભાણુભા અને શક્તિસિંહ જગદીશસિંહ રાણા સામે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. ઉઘરાણીના વિવાદમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે.

Leave a Comment

और पढ़ें