દિલ્હીમાં આંદોલન પહેલાં સુરક્ષા વ્યવસ્થા કડક : 23 હજાર કેન્દ્રીય સુરક્ષાદળના જવાનો તૈનાત

જંતર-મંતર પર દેખાવની મંજૂરી ન મળતાં પોલીસ એલર્ટ; દિલ્હી આવતી કેટલીક ટ્રેનો રદ અને 57 મેટ્રો સ્ટેશનો બંધ રાખવાની તૈયારી

નવી દિલ્હી, તા. 9: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિપક્ષના વિરોધ વચ્ચે કોકરોચ જનતા પાર્ટીએ આવતીકાલે, 10 ઓક્ટોબરથી દિલ્હીના જંતર-મંતર ખાતે બીજા તબક્કાના આંદોલનની જાહેરાત કરી છે. સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને દિલ્હી સરકાર સુરક્ષા વ્યવસ્થાને લઈને એલર્ટ થઈ ગઈ છે. પાટનગરમાં અંદાજે 23 હજાર કેન્દ્રીય સુરક્ષાદળના જવાનો અને પાંચ હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. તેમાં એક હજારથી વધુ મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

ચૂંટણી પંચની કચેરીને CRPF અને CISFની સુરક્ષા આપવામાં આવી છે. આકાશવાણી સહિત આસપાસની મહત્વની સરકારી ઇમારતોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જંતર-મંતર અને અન્ય સંવેદનશીલ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. દેખાવકારોની સંભવિત સંખ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે 10 ડિટેન્શન સેન્ટર તૈયાર કર્યાં છે. હોટલ, ગેસ્ટહાઉસ અને અન્ય સ્થળોએ પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

જંતર-મંતર પર આંદોલનને મંજૂરી નહીં

દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે યોજાનારા આંદોલનને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંજૂરી માટેની અરજી 7 ઓક્ટોબરે મળી હતી અને તે નિયમો મુજબ ન હોવાથી મંજૂરી આપવામાં આવી નથી. જો મંજૂરી વિના દેખાવો યોજાશે તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

ટ્રેન અને મેટ્રો વ્યવહાર પર અસરની શક્યતા

આંદોલન પહેલાં દિલ્હી આવતા રેલવે માર્ગો અને અન્ય પરિવહન વ્યવસ્થાઓ પર પણ દેખરેખ વધારવામાં આવી છે. અહેવાલ મુજબ, 9 અને 10 ઓક્ટોબરે દિલ્હી પહોંચનારી કેટલીક ટ્રેનો રદ રાખવામાં આવી છે, જેમાં હઝરત નિઝામુદ્દીન સાથે સંકળાયેલી ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, દિલ્હીના 57 મેટ્રો સ્ટેશનો બંધ રાખવાની તૈયારી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જરૂર પડ્યે આ પ્રતિબંધનો સમયગાળો લંબાવવામાં આવી શકે છે.

પત્રકારોને દૂરથી કવરેજ કરવાની સૂચના

દિલ્હી પોલીસે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતનાં પરિવહન સ્થળોએ ચેકિંગ શરૂ કર્યું છે. શંકાસ્પદ જણાતા કેટલાક લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. બીજી તરફ, પત્રકારોને દેખાવનાં સ્થળોથી દૂર રહીને કવરેજ કરવા સૂચના આપવામાં આવી છે. પત્રકારોને પોતાના ઓળખપત્ર સાથે રાખવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા જણાવાયું છે.

કોકરોચ જનતા પાર્ટીના અગાઉના આંદોલન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. બેંગલુરુમાં પણ તાજેતરમાં દેખાવકારોની મોટી હાજરી નોંધાઈ હોવાના અહેવાલોને પગલે, દિલ્હીમાં આંદોલનના બીજા તબક્કા દરમિયાન મોટી ભીડ ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें