ગોંડલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : ઇન્ડિકા કારનાં ગુપ્ત ખાનામાંથી 459 બોટલ મળી

સુલતાનપુરના રાવણા ગામ નજીક LCBની કાર્યવાહી, ₹1.83 લાખનો મુદ્દામાલ જપ્ત; દાહોદના ગુનામાં આઠ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

ગોંડલ: ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાવણા ગામ નજીક LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે ઇન્ડિકા કારને રોકીને તપાસ કરતાં કારમાં બનાવેલા ખાસ ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની 459 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ ₹1,83,530નો મુદ્દામાલ કબજે કર્યો છે.

LCB પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે બાબરાથી રાંદલના દડવા થઈ રાવણા ગામ તરફ આવતી ગ્રે કલરની GJ01KL8560 નંબરની ટાટા ઇન્ડિકા કારને રાવણા ગામ નજીક રોકવામાં આવી હતી. કારની ઝીણવટભરી તપાસ કરતાં અલગ-અલગ જગ્યાએ બનાવેલા ગુપ્ત ખાનામાંથી 180 મિલીલીટરની 459 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત ₹78,030 આંકવામાં આવી છે.

દાહોદના પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી પણ ઝડપાયો

પોલીસે કારમાં સવાર જહાંગીરભાઈ અમીનભાઈ શેખ (ઉં.વ. 41), રહે. સુખનાથ ચોક, જૂનાગઢ અને નરેશભાઈ હીરાભાઈ નાગદેવ (ઉં.વ. 34), રહે. મધુરમ વિસ્તાર, જૂનાગઢની અટકાયત કરી છે. તપાસમાં જહાંગીરભાઈ શેખ દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા BNSની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા આઠ મહિનાથી ફરાર હોવાનું સામે આવ્યું છે.

બે શખ્સો વોન્ટેડ જાહેર

LCBએ વિદેશી દારૂની 459 બોટલ, કિંમત ₹78,030, બે મોબાઇલ ફોન, કિંમત ₹5,500 અને ટાટા ઇન્ડિકા કાર, કિંમત ₹1 લાખ સહિત કુલ ₹1,83,530નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં દારૂ મોકલનાર હોવાનું સામે આવેલા મલ્લાભાઈ ડામોર, રહે. સમોઈ, તાલુકો રાણાપુર અને હિતેશભાઈ સવદાસભાઈ મોઢવાડિયા, રહે. રાજકોટ, મૂળ જૂનાગઢને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें