બોલિવૂડના દિગ્ગજ કલાકારો આમિર ખાન, ઋતિક રોશન અને અનિલ કપૂર હવે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા (PGI)ની કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટમાં સામેલ થયા છે. ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ અને પડકારો અંગે નિર્ણય પ્રક્રિયામાં હવે આ ત્રણેય કલાકારો પણ ગિલ્ડ સાથે જોડાઈને મહત્વની ભૂમિકા ભજવશે.
મંગળવારે યોજાયેલી પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાની 72મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન નવી મેનેજમેન્ટ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. AGM બાદ યોજાયેલી પ્રથમ બેઠકમાં શિબાશીષ સરકારને સતત પાંચમી વખત ગિલ્ડના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા.
પાંચમી વખત પ્રમુખ તરીકે પસંદગી થતાં શિબાશીષ સરકારે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સતત પાંચમી વખત આ જવાબદારી મળવી તેમના માટે ગૌરવની વાત છે. નવી ટીમ અને ગિલ્ડના તમામ સભ્યો સાથે મળીને ભારતીય ફિલ્મ ઉદ્યોગ સામેના પડકારો તથા ભવિષ્યમાં ઊભી થનારી તકો પર ઝડપથી કામ કરવાની તેમણે વાત કરી હતી.
ફિલ્મ ઉદ્યોગના અનેક દિગ્ગજોને કાઉન્સિલમાં સ્થાન
નવી મેનેજમેન્ટ કાઉન્સિલમાં માત્ર અભિનેતાઓ જ નહીં પરંતુ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક જાણીતા નિર્માતા અને નિર્દેશકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં કરણ જોહર, રાજકુમાર હિરાણી, રિતેશ સિધવાની, આશુતોષ ગોવારીકર અને ઝોયા અખ્તર જેવા જાણીતા નામો સામેલ છે.
આમિર ખાન, ઋતિક રોશન અને અનિલ કપૂર જેવા જાણીતા કલાકારોના કાઉન્સિલમાં જોડાવાથી અભિનેતાઓ ઉપરાંત ફિલ્મ નિર્માણ અને સર્જનાત્મક ક્ષેત્રના વિવિધ પક્ષોને એક જ મંચ પર પ્રતિનિધિત્વ મળશે. PGI ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિર્માતાઓના હિતો અને ઉદ્યોગ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર કામ કરતી સંસ્થા છે.
નવી કાઉન્સિલના કાર્યકાળ દરમિયાન ફિલ્મ ઉદ્યોગ સામેના પડકારો, બદલાતું ફિલ્મ બજાર, નવી ટેક્નોલોજી અને ભવિષ્યની તકો જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.








