47 દેશોના નાગરિકો રશિયા માટે યુદ્ધ લડી રહ્યા છેઃ UNમાં ઝેલેન્સ્કીનો દાવો, ભારતનું પણ નામ

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દાવો કર્યો છે કે રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં ભારત સહિત 47 દેશોના નાગરિકોનો ઉપયોગ કરી રહ્યું છે. 23 સપ્ટેમ્બરે UNGAના સંબોધનમાં તેમણે સંબંધિત દેશોને પોતાના નાગરિકોને યુદ્ધમાં સામેલ થતા રોકવા અને તેમની સુરક્ષા માટે પગલાં લેવા અપીલ કરી હતી.

ઝેલેન્સ્કીએ પોતાના સંબોધનમાં ભારત, ઘાના, નેપાળ, તાજિકિસ્તાન, યમન, કેન્યા, ઝિમ્બાબ્વે, ક્યુબા, બેલારુસ, સુદાન અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોના નાગરિકોનો ઉલ્લેખ કર્યો હતો. તેમના કહેવા મુજબ આ નાગરિકોને રશિયા સુધી પહોંચાડવામાં કથિત રીતે “છળકપટ અને યુક્તિઓ”નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભારતના નાગરિકો અંગે પણ ચિંતા વ્યક્ત

ઝેલેન્સ્કીએ 47 દેશોના પ્રતિનિધિઓને સીધી અપીલ કરતાં પોતાના નાગરિકોની કાળજી લેવા અને તેમને યુદ્ધના મોરચે પહોંચતા રોકવા કહ્યું હતું. તેમના નિવેદન બાદ રશિયન સેનામાં સામેલ ભારતીય નાગરિકોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ 227 ભારતીય નાગરિકો રશિયન સશસ્ત્ર દળોમાં ભરતી થયા હતા; તેમાંથી 139ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 51ના મોત થયાં હોવાનું જણાવાયું છે.

ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેનને વિવિધ દેશોના કેટલાક નાગરિકો યુદ્ધબંદી તરીકે મળ્યા છે અને સંબંધિત દેશોએ પોતાના નાગરિકોને રશિયા-યુક્રેન યુદ્ધથી દૂર રાખવા માટે પગલાં લેવા જોઈએ.

Leave a Comment

और पढ़ें