વારાણસીમાં દેશના પ્રથમ અર્બન ટ્રાન્સપોર્ટ રોપવેનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. 3.85 કિલોમીટર લાંબા રોપવે કોરિડોરનું 94.35 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કાશી વિદ્યાપીઠ સ્ટેશન પર ટ્રાયલ રન પણ શરૂ થઈ ગયો છે. દિવાળી પહેલાં રોપવે સેવા સામાન્ય મુસાફરો માટે શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ રોપવે શરૂ થયા બાદ વારાણસીના ગીચ અને સાંકડા રસ્તાઓ પર સર્જાતા ટ્રાફિક જામથી મોટી રાહત મળવાની આશા છે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોએ આવતા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે કેન્ટ રેલવે સ્ટેશનથી ગોદૌલિયા સુધીની મુસાફરી માત્ર 15 મિનિટમાં પૂરી થઈ શકશે.
રોપવે રૂટ પર કેન્ટ રેલવે સ્ટેશન, કાશી વિદ્યાપીઠ, રથયાત્રા, ગિરજાઘર અને ગોદૌલિયા એમ કુલ 5 સ્ટેશન બનાવવામાં આવ્યા છે. સમગ્ર કોરિડોરને જોડવા માટે 29 ટાવર ઊભા કરવામાં આવ્યા છે.
મુસાફરો માટે સામાન્ય એક તરફનું ભાડું ₹50 રાખવામાં આવ્યું છે, જ્યારે સ્માર્ટ પાસનો ઉપયોગ કરનાર નિયમિત મુસાફરોને આ જ મુસાફરી ₹40માં થશે. ટૂંકા રૂટ માટે અલગ ભાડું નક્કી કરાયું છે. કાશી વિદ્યાપીઠથી રથયાત્રા સુધીની મુસાફરી માત્ર ₹8માં કરી શકાશે.
આ ઉપરાંત પ્રીમિયમ સુવિધા ધરાવતી ગોંડોલા સેવા માટે ₹2,000નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. સંસ્થા અથવા મોટા ગ્રૂપ દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવે તો પ્રતિ મુસાફર ₹1,200નો દર રહેશે.
રોપવે શરૂ થયા બાદ કાશીના મહત્વના વિસ્તારો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી મળશે અને ખાસ કરીને કેન્ટથી ગોદૌલિયા તથા કાશી વિશ્વનાથ મંદિર તરફ જતા પ્રવાસીઓ માટે મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે.








