જર્મનીમાં ₹78 લાખનું પેકેજ છતાં ‘રિયાલિટી ચેક’, ભારતીય નોકરી છોડતા પહેલાં બે વાર વિચારવાની સલાહ

વિદેશમાં ઊંચા પગારના પેકેજની વાતો સાંભળીને નોકરી માટે વિદેશ જવાનું સપનું જોતા અનેક લોકો માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. ‘X’ પર તનુજ નામના એક યુઝરે જર્મનીમાં પોતાના છ વર્ષના અનુભવના આધારે વિદેશમાં નોકરી અને કમાણી અંગે ‘રિયાલિટી ચેક’ રજૂ કર્યો છે.

તનુજના જણાવ્યા મુજબ, જર્મનીમાં તેમને વાર્ષિક 70 હજાર યુરો એટલે કે આશરે ₹78 લાખનું પેકેજ મળે છે. કાગળ પર આ પેકેજ આકર્ષક લાગે છે, પરંતુ જર્મની પહોંચ્યા બાદ ટેક્સ અને જીવનનિર્વાહના ખર્ચને કારણે હાથમાં બચતી રકમ અંગે અલગ જ વાસ્તવિકતા સામે આવે છે.

તેમણે પોસ્ટમાં દાવો કર્યો છે કે પેકેજનો મોટો હિસ્સો ટેક્સમાં જાય છે. આ ઉપરાંત મ્યુનિક અને બર્લિન જેવા મોટા શહેરોમાં ફ્લેટનું ભાડું આશરે 1,500 યુરો સુધી પહોંચી શકે છે. વીજળી, ઈન્ટરનેટ, ઈન્સ્યોરન્સ, ખોરાક અને અન્ય દૈનિક ખર્ચ ઉમેરાતા માસિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થાય છે.

તનુજે Purchasing Power Parity (PPP)નો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે જીવન ખર્ચ અને ખરીદશક્તિના દૃષ્ટિકોણથી જર્મનીનું આશરે ₹77-78 લાખનું પેકેજ ભારતમાં મળતા ₹32થી ₹35 લાખના પેકેજ જેટલું અનુભવાઈ શકે છે. જોકે, આ તેમની વ્યક્તિગત ગણતરી અને અનુભવ આધારિત સરખામણી છે.

‘માત્ર પગાર જોઈને નિર્ણય ન લેવો’

તનુજની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર વિદેશમાં નોકરી અંગે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકોનું કહેવું છે કે વિદેશ જવાનો નિર્ણય માત્ર પગારના આધારે લેવામાં આવતો નથી. જીવનશૈલી, સુરક્ષા, કારકિર્દીની તકો અને અન્ય વ્યક્તિગત કારણો પણ મહત્વ ધરાવે છે.

તનુજે જર્મનીમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા લોકોને જર્મન ભાષા શીખવાની સલાહ પણ આપી છે. તેમના જણાવ્યા મુજબ, માત્ર અંગ્રેજીના આધારે લાંબા ગાળે કામ ચલાવવું મુશ્કેલ બની શકે છે. આ વાયરલ પોસ્ટે વિદેશમાં નોકરી માટે જતા પહેલાં પગાર ઉપરાંત ટેક્સ, ભાડું, જીવનનિર્વાહનો ખર્ચ અને ખરીદશક્તિ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવાની ચર્ચા જગાવી છે.

Leave a Comment

और पढ़ें