મોલ-કોમર્શિયલ સ્થળોએ પાર્કિંગ ફી વસૂલી શકાશે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો હુકમ રદ કર્યો

નવી દિલ્હી : મોલ, જાહેર તથા કોમર્શિયલ સ્થળોએ વાહન પાર્કિંગ માટે મુલાકાતીઓ પાસેથી ચાર્જ વસૂલવા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે હાઈકોર્ટનો અગાઉનો પાર્કિંગ ચાર્જ ન વસૂલવાનો હુકમ રદ કરી દીધો છે. રાજ્ય સરકાર અથવા સક્ષમ સત્તાવાળાઓ પાર્કિંગ માટેના દર અને નિયમો નક્કી કરી શકે છે.

સુરતની રાહુલ રાજ મોલ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીની અપીલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મોલ માલિકો મુલાકાતીઓના વાહનો માટે પાર્કિંગ ફી વસૂલ કરી શકે છે, પરંતુ આ વ્યવસ્થા સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ઘડવામાં આવેલી પાર્કિંગ નીતિ અને નિયમોને આધીન રહેશે.

કોર્ટે અમદાવાદની પાર્કિંગ પોલિસી-2021નો પણ ઉલ્લેખ કર્યો હતો અને પાર્કિંગ વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે સક્ષમ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ મોલ, જાહેર સ્થળો તથા કોમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગના દર અને અન્ય નિયમો નક્કી કરી શકે છે.

સુરતની સોસાયટી તરફથી દલીલ કરવામાં આવી હતી કે પાર્કિંગની જગ્યાઓને સુરત મહાનગરપાલિકા દ્વારા ‘પે એન્ડ પાર્ક’ તરીકે આકારવામાં આવી છે અને તેના આધારે વાર્ષિક આશરે રૂ.4.5 લાખનો વેરો ભરવો પડે છે. પાર્કિંગના સંચાલન અને સ્ટાફ સહિતની વ્યવસ્થા માટે પણ નીતિની જરૂરિયાત હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પાર્કિંગ ક્ષેત્રમાં નિયમન માટે સક્ષમ સત્તાવાળાઓ દ્વારા નીતિ બનાવવામાં આવી ચૂકી છે. બદલાતી પરિસ્થિતિ અને વિકાસને ધ્યાનમાં લેતા અગાઉનો હાઈકોર્ટનો હુકમ ચાલુ રાખવાની જરૂરિયાત નથી. તેથી અગાઉનો હુકમ રદ કરવામાં આવ્યો અને અપીલનો નિકાલ કરવામાં આવ્યો.

Leave a Comment

और पढ़ें