ટ્રાવેલ્સ બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: બામણબોર ચેકપોસ્ટેથી 444 બોટલ સાથે પાંચ આરોપી ઝડપાયા

મુસાફરોની આડમાં મધ્યપ્રદેશથી આવતી દારૂની ખેપ ઝડપાઈ; બસ સહિત રૂ.15.99 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: રાજકોટ શહેર પોલીસે ટ્રાવેલ્સ બસ મારફતે ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતાં બામણબોર ચેકપોસ્ટ નજીકથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ઝોન-1ની ટીમે શ્રી બાલાજી ટ્રાવેલ્સની બસમાં દરોડો પાડી અંગ્રેજી દારૂની 444 બોટલ સાથે રિસીવર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે બસ અને દારૂ સહિત કુલ રૂ.15.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક બસને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બસમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવતા ચાર આરોપીઓ તથા દારૂનો જથ્થો લેવા આવેલા રાજકોટના એક શખ્સને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મધ્યપ્રદેશથી મુસાફરોની આડમાં દારૂની ખેપ રાજકોટ સુધી પહોંચાડતા હતા. અત્યાર સુધી તેઓ આવી રીતે બે વખત સફળતાપૂર્વક દારૂની સપ્લાય કરી ચૂક્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે અને દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें