સંસદીય વ્યૂહરચના અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર મંથન; સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિ અને વૈશ્વિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવન સ્થિત પોતાના કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ મંત્રીઓ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલની હાજરીએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
બપોરે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ શરૂ થયેલી આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામણ, એસ. જયશંકર, પીયૂષ ગોયલ, હરદીપ સિંહ પુરી, જે.પી. નડ્ડા સહિતના કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં સંસદના ચાલુ સત્રને લઈને સરકારની વ્યૂહરચના ઉપરાંત દેશની આંતરિક સુરક્ષા અને વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે.
તાજેતરમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવ, ઈરાનને કેન્દ્રમાં રાખીને વિકસતી સ્થિતિ, લાલ સમુદ્ર (Red Sea) વિસ્તારમાં વેપારી જહાજો પર થતા હુમલા અને વૈશ્વિક ઊર્જા પુરવઠા પર તેની સંભવિત અસર જેવા મુદ્દાઓ પણ બેઠકના એજન્ડામાં સામેલ રહ્યા હોવાની ચર્ચા છે. આ ઉપરાંત કાચા તેલના વધતા ભાવ અને ભારતની ઊર્જા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ વિચારણા થઈ હોવાનું માનવામાં આવે છે.
સરકાર તરફથી બેઠક અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ સંસદીય કામગીરી અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.








