નવા ટ્રિગરના અભાવે રોકાણકારોમાં સાવચેતી; સોનું પણ મજબૂત બન્યું
મુંબઈ: સ્થાનિક શેરબજારમાં આજે મિશ્ર અને સુસ્ત કારોબાર જોવા મળ્યો હતો. દિવસભર સેન્સેક્સ અને નિફ્ટી મર્યાદિત વધઘટ વચ્ચે રહ્યા, જ્યારે નવા સકારાત્મક ટ્રિગરના અભાવે રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો.
કારોબારના અંતે સેન્સેક્સ 29 પોઇન્ટના વધારા સાથે 77,683 પર બંધ રહ્યો. દિવસ દરમિયાન તેણે 77,900ની ઊંચી અને 77,440ની નીચી સપાટી નોંધાવી હતી. બીજી તરફ નિફ્ટી 10 પોઇન્ટ વધીને 24,259 પર બંધ રહ્યો, જ્યારે દિવસનું ઉચ્ચ સ્તર 24,331 અને નીચું સ્તર 24,187 રહ્યું હતું.
બજારમાં હીરો મોટોકોર્પ, TVS મોટર્સ, HDFC બેંક, આલ્કેમ લેબોરેટરીઝ, કલ્યાણ જ્વેલર્સ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, વિપ્રો અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે પ્રીમિયર એનર્જી, વારી એનર્જી, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ, ઇન્ફોસિસ, વોડાફોન આઈડિયા, સુઝલોન, યેસ બેંક અને આદિત્ય ઇન્ફોટેકના શેરોમાં દબાણ રહ્યું હતું.
વૈશ્વિક કોમોડિટી બજારમાં WTI ક્રૂડનો ભાવ 84.28 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 91.09 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો. કિંમતી ધાતુઓમાં પણ તેજી જોવા મળી હતી. હાજર બજારમાં સોનાનો ભાવ રૂ.800 વધીને રૂ.1,47,700 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે વાયદા બજારમાં સોનું રૂ.650ના વધારા સાથે રૂ.1,42,445 પર કારોબાર કરતું રહ્યું હતું.








