યમુના એક્સપ્રેસ-વે પર ગમખ્વાર દુર્ઘટના

ગ્રેટર નોઈડામાં સ્લીપર બસમાં ભીષણ આગ: 9 લોકોનાં મોત, 30નો બચાવ

ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસ-વે પર બુધવારે મોડી રાત્રે મહોબા જઈ રહેલી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગની લપેટમાં આવતા 9 લોકોનાં મોત થયા હતા, જ્યારે પોલીસ અને બચાવ ટીમે 30 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આગ લાગતા બસમાં અફરાતફરી મચી હતી. કેટલાક મુસાફરો જીવ બચાવવા બસમાંથી કૂદી પડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ડ્રાઈવર-મેનેજર સામે ગંભીર આક્ષેપ

મુસાફરોએ આરોપ લગાવ્યો કે બસમાં બળવાની દુર્ગંધ આવતી હોવાની જાણ ડ્રાઈવર અને મેનેજરને કરવામાં આવી હતી, છતાં બસ રોકીને તપાસ કરવામાં આવી નહોતી. મુસાફરોના જણાવ્યા મુજબ, ડ્રાઈવરની સીટ પાસે આગની જ્વાળાઓ દેખાયા બાદ પણ બસ તાત્કાલિક રોકવામાં આવી નહોતી.

મુસાફરોએ એવો પણ આક્ષેપ કર્યો કે ડ્રાઈવર અને મેનેજર કેબિનમાં બીડી-સિગારેટ પી રહ્યા હતા અને બસ રોકવાની વિનંતી કરવા છતાં કથિત રીતે ગંભીરતા દાખવી નહોતી.

ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી. સરકાર દ્વારા મૃતકોના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Comment