સોનમ વાંગચૂક બાદ અભિજીત દીપક પણ અનિશ્ચિત ઉપવાસ પર: જંતર-મંતર પર ફરી આંદોલન તેજ

સંસદ તરફ કૂચની જાહેરાત યથાવત; વડાપ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ વધુ ઉગ્ર બનવાના સંકેત

નવી દિલ્હી: લદાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકને લાંબા ઉપવાસ બાદ તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી હવે આંદોલનને આગળ વધારવા માટે કાર્યકર અભિજીત દીપકે જંતર-મંતર ખાતે અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યો છે. આ સાથે વિરોધ પ્રદર્શનને ફરી વેગ મળ્યો છે.

જંતર-મંતર વિસ્તાર ખાલી કરાવ્યા બાદ પણ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ અને સમર્થકો ફરી એકત્ર થતાં રાજધાનીમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. અભિજીત દીપકે જણાવ્યું કે સોનમ વાંગચૂકના અધૂરા ઉપવાસને આગળ વધારવા માટે તેમણે આ પગલું ભર્યું છે અને સંસદ ભવન તરફ કૂચ કરવાનો કાર્યક્રમ પણ યથાવત રહેશે.

અભિજીત દીપકે જણાવ્યું કે અગાઉ તેમની માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી મર્યાદિત હતી, પરંતુ હવે તેમણે વડાપ્રધાનના રાજીનામાની માંગ પણ ઉઠાવી છે.

આ દરમિયાન પોલીસ કાર્યવાહીનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કેટલાક આંદોલનકારીઓએ પોલીસ પર બળપ્રયોગના આક્ષેપ કર્યા છે, જ્યારે દિલ્હી પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી કાર્યવાહી અત્યંત સંયમપૂર્વક કરવામાં આવી હતી.

આંદોલનને લઈને રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને આગામી દિવસોમાં વિરોધ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें