અમેરિકા-ઈરાન વચ્ચેના વધતા તણાવ અને અખાત વિસ્તારમાં ક્રૂડ ઓઇલના સ્ટોકમાં ઘટાડાના સંકેતો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફરી જોરદાર ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $108ને પાર પહોંચતા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું જોખમ પણ વધ્યું છે. આ સ્થિતિથી અર્થતંત્ર અને મોંઘવારી મોરચે સરકાર સામે નવો પડકાર ઊભો થઈ શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન યુદ્ધ હારી ગયું હોવાના દાવા વચ્ચે ઈરાન તરફથી વધુ આક્રમક હુમલાના અહેવાલોથી બજારમાં ગભરાટ વધ્યો છે. બીજી તરફ સાઉદી અરેબિયાના ક્રૂડ સ્ટોકમાં ઘટાડાના સંકેતોએ પણ ભાવને વધુ વેગ આપ્યો છે.
ગઈ રાતથી ક્રૂડના ભાવમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. આજે WTI ક્રૂડ $103.22 અને બ્રેન્ટ ક્રૂડ $108.60 પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું.
ક્રૂડનો ભાવ સતત બે દિવસથી $100થી ઉપર રહેતા ભારતની પેટ્રોલિયમ કંપનીઓ પર ખર્ચનું દબાણ વધ્યું છે. જો આંતરરાષ્ટ્રીય ભાવમાં તેજી યથાવત રહે તો કંપનીઓને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે. તેના કારણે પરિવહન ખર્ચ વધવાની સાથે દેશમાં મોંઘવારી વધવાનો ખતરો પણ ઊભો થઈ શકે છે.
નિષ્ણાતો અગાઉથી જ વૈશ્વિક ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને ક્રૂડનો ભાવ $110થી $115 સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. હવે ભાવ આ સ્તરની નજીક પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ક્રૂડના ભાવમાં વધુ તેજી આવે છે કે રાહત મળે છે તેના પર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સ્થિતિનો ઘણો આધાર રહેશે.









