એમ્બ્યુલન્સ બની દારૂની ‘ડિલિવરી વાન’! બાબરામાં બુટલેગરનો કીમિયો નિષ્ફળ

સ્ટ્રેચર બેડ નીચે બનાવ્યું ગુપ્ત ખાનુ : 1,968 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.10.66 લાખનો મુદ્દામાલ ઝડપાયો

બાબરા : દર્દીઓને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરવાનો બુટલેગરનો પ્રયાસ બાબરા પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર બાતમીના આધારે પોલીસે એમ્બ્યુલન્સને રોકી તપાસ કરતાં સ્ટ્રેચર બેડની નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 1,968 બોટલ મળી આવી હતી. પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઇવરની ધરપકડ કરી કુલ રૂ.10,66,688નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાબરા પોલીસને મળેલી બાતમીના આધારે રાજકોટ-ભાવનગર હાઇવે પર ઉંટવડ ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન તા.11ના રોજ સાંજે આશરે 6:15 વાગ્યે એમ્બ્યુલન્સ નં. GJ-05-AV-5525 ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી.

એમ્બ્યુલન્સની તપાસ દરમિયાન દર્દીઓ માટે બનાવાયેલા કેબીનમાં ડ્રાઇવર સીટની પાછળના ભાગે આવેલા સ્ટ્રેચર બેડની નીચે એક ગુપ્ત ખાનુ મળી આવ્યું હતું. ખાનુ ખોલતાં પોલીસને મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે 180 મિ.લી.ની એક બ્રાન્ડની 672 બોટલ કિંમત રૂ.1,35,072 તથા બીજી બ્રાન્ડની 1,296 બોટલ કિંમત રૂ.2,21,616 મળી કુલ 1,968 બોટલ જપ્ત કરી હતી. દારૂના જથ્થાની કુલ કિંમત રૂ.3,56,688 હોવાનું સામે આવ્યું છે.

દારૂ ઉપરાંત પોલીસે હેરાફેરીમાં વપરાયેલી રૂ.7 લાખની એમ્બ્યુલન્સ અને રૂ.10 હજારનો મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, દારૂ સહિત કુલ રૂ.10.66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે.

પોલીસથી બચવા એમ્બ્યુલન્સનો સહારો

સામાન્ય વાહનના બદલે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સમાં દારૂ સંતાડવાની મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્ટ્રેચર બેડની નીચે ખાસ ગુપ્ત ખાનુ બનાવી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ હોવાના કારણે ચેકિંગથી બચી જવાશે તેવી ગણતરી કરવામાં આવી હોવાની આશંકા છે.

આ કેસમાં ગોંડલના વોરા કોટડા રોડ, જેલ સામેના આવાસ ક્વાર્ટરમાં રહેતા **સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ (ઉં.વ.34)**ની ધરપકડ કરવામાં આવી છે. બાબરા પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave a Comment

और पढ़ें