ટર્મીનેટર જેવો કિલર રોબોટ નહીં, પરંતુ AIનો ખોટો ઉપયોગ માનવજાત માટે મોટો ખતરો

ખુદ AI ટૂલ્સને પૂછાયો સવાલ : બાયોવેપનથી લઈને સાયબર હુમલા સુધીના જોખમો ગણાવ્યા, AI કાબૂ બહાર જાય તો ચિંતા વધી શકે

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માનવજાત માટે કેટલો ખતરનાક બની શકે છે તે અંગે દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. નિષ્ણાતો દ્વારા AIના સંભવિત જોખમો અંગે ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે એક રસપ્રદ પ્રયાસમાં ખુદ અગ્રણી AI ટૂલ્સને જ પૂછવામાં આવ્યું કે ભવિષ્યમાં AI માનવજાત માટે કેટલો મોટો ખતરો બની શકે છે. તેના જવાબોએ AIના ઉપયોગ અને તેના નિયંત્રણ અંગે નવી ચિંતા ઊભી કરી છે.

બિઝનેસ ઈન્સાઈડર દ્વારા કરવામાં આવેલા આ વિશ્લેષણમાં હોલીવુડની ફિલ્મ ‘ટર્મીનેટર’માં દર્શાવેલા કિલર રોબોટની કલ્પનાને વાસ્તવિક ખતરા તરીકે સ્વીકારવામાં આવી નથી. જોકે, AI વધુ શક્તિશાળી અને બુદ્ધિશાળી બનતું જાય છે ત્યારે તેનો દુરુપયોગ થાય અથવા ટેક્નોલોજી પર માનવીય નિયંત્રણ નબળું પડે તો ગંભીર પરિણામો આવી શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે.

જેમિની : AIમાં નફરત કે વેરની ભાવના નથી

ગૂગલના જેમિનીએ જણાવ્યું હતું કે AI રોબોટ પોતાની અંદરની નફરત, ગુસ્સો કે વેરની ભાવનાથી માનવજાત પર હુમલો કરશે તેવી શક્યતા નથી. જોકે, AIનો ઉપયોગ સૈન્ય ક્ષેત્રમાં કરવામાં આવે તો તે માનવજીવન માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

જેમિનીના મતે AI પોતે મનસ્વી રીતે માનવજાત સામે યુદ્ધ શરૂ કરે તેવી કલ્પના કરતાં તેનો ઉપયોગ કોણ અને કયા હેતુ માટે કરે છે તે વધુ મહત્વપૂર્ણ છે.

ક્લોડ અને ગ્રોક : સૌથી ચિંતાજનક જોખમો

બીજી તરફ એન્થ્રોપિકના ક્લોડ અને સ્પેસએક્સ સાથે સંકળાયેલા ગ્રોક દ્વારા AIના દુરુપયોગથી ઊભા થઈ શકે તેવા ગંભીર જોખમો તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

AIની ક્ષમતાનો ઉપયોગ કોઈ વ્યક્તિ અથવા આતંકવાદી સંગઠન દ્વારા વિનાશક હેતુઓ માટે કરવામાં આવે તો બાયોસિક્યુરિટી સહિતના ક્ષેત્રોમાં ખતરો વધી શકે છે. ખાસ કરીને ખતરનાક જૈવિક સામગ્રી અથવા બાયોવેપન સંબંધિત ટેક્નોલોજીનો દુરુપયોગ થાય તો મોટા પાયે નુકસાન અને મહામારી જેવી પરિસ્થિતિ ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ChatGPT : સાયબર હુમલો પણ મોટો ખતરો

ChatGPTએ AIના દુરુપયોગથી સાયબર હુમલાના જોખમને પણ મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. AIની મદદથી મોટા પાયે સાયબર હુમલા કરવામાં આવે તો પાવર ગ્રિડ, બેન્કિંગ સિસ્ટમ, સંચાર નેટવર્ક અને અન્ય મહત્વપૂર્ણ ડિજિટલ માળખાને નુકસાન પહોંચાડી શકાય છે.

આવી સ્થિતિમાં માત્ર ડેટા ચોરી કે ઓનલાઈન છેતરપિંડી પૂરતી અસર નહીં રહે, પરંતુ આવશ્યક સેવાઓ ખોરવાઈ જવાથી વ્યાપક સામાજિક અને આર્થિક અસર પડી શકે છે.

અસલી સમસ્યા AI નહીં, તેનો દુરુપયોગ

આ તમામ જવાબોમાં એક બાબત સામાન્ય રીતે સામે આવી છે—મુખ્ય ખતરો AIની પોતાની કોઈ ‘ઈચ્છા’ કરતાં તેના દુરુપયોગમાં છે. AIનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થાય તો તે ક્રાંતિકારી ટેક્નોલોજી સાબિત થઈ શકે છે, પરંતુ તેનો ઉપયોગ યુદ્ધ, સાયબર હુમલા અથવા અન્ય વિનાશક હેતુઓ માટે થાય તો જોખમ અનેકગણું વધી શકે છે.

સૌથી મોટો સવાલ એ છે કે ભવિષ્યમાં AI સિસ્ટમ્સ કેટલી શક્તિશાળી બનશે અને તેમના પર માનવીય નિયંત્રણ કેટલું અસરકારક રહેશે. જો કોઈ સમયે અત્યંત શક્તિશાળી AI સિસ્ટમ પર નિયંત્રણ ગુમાવવાની સ્થિતિ સર્જાય તો તેને ફરીથી કાબૂમાં લેવું કેટલું શક્ય રહેશે તે અંગે હાલમાં પણ ગંભીર ચર્ચા ચાલી રહી છે.

Leave a Comment

और पढ़ें