લગભગ સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે ચીનનું 67 સભ્યોનું વિશાળ પ્રતિનિધિમંડળ પણ ભારત પહોંચશે, જેમાં મુખ્યત્વે ટોચના ઉદ્યોગપતિઓનો સમાવેશ હોવાનું જણાવાયું છે.
ચીને જિનપિંગની ભારત મુલાકાત અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. ચીનના વ્યાપારી પ્રતિનિધિમંડળે દિલ્હી પહોંચવાના માત્ર 24 કલાક અગાઉ વિઝા માટે અરજી કરી હતી. જેના કારણે વિદેશ મંત્રાલયમાં વિઝા પ્રક્રિયા માટે મોડી રાત સુધી કામગીરી ચાલી હતી.
જિનપિંગ આવતીકાલે બપોરે ભારત પહોંચશે. ત્યારબાદ સાંજે 7:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા BRICS દેશોના મહાનુભાવો માટે યોજાનારા ભોજન સમારંભમાં તેઓ ઉપસ્થિત રહેશે.
ચીનના 67 સભ્યોના પ્રતિનિધિમંડળમાં ચીનના વિદેશમંત્રી વાંગ યી ઉપરાંત પોલિટબ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને જિનપિંગના નજીકના સાથી ગણાતા નેતાની હાજરી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે જિનપિંગની મુલાકાતને કારણે આ શિખર બેઠક દરમિયાન ભારત-ચીન વચ્ચેના વેપાર અને આર્થિક કરારોને વિશેષ મહત્વ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








