ઈન્સ્ટાગ્રામ પર એરફોર્સની ‘સૂર્યકિરણ ટીમ’નો સ્ક્વોડ્રન લીડર હોવાની ઓળખ આપી યુવતીને ફસાવી : યુનિવર્સિટી પોલીસે બે મોબાઈલ કબજે કર્યા
રાજકોટ: એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી એન્જિનિયર યુવતી પાસેથી રૂ.1.95 લાખ પડાવવાના કેસમાં યુનિવર્સિટી પોલીસે રાજકોટના એક શખ્સને ઝડપી પાડી રિમાન્ડ પર લીધો છે. આરોપીએ ઈન્સ્ટાગ્રામ મારફતે યુવતીનો સંપર્ક કેળવી પોતે ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ’ ટીમમાં ફ્લાઈંગ બ્રાન્ચનો સ્ક્વોડ્રન લીડર હોવાની ખોટી ઓળખ આપી હતી.
માધાપર ચોક પાસે અવધ રેસિડેન્સીમાં રહેતી દિશાબા પ્રવિણસિંહ પરમાર (ઉં.વ.28)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, યુવતી મૂળ રાજકોટની છે અને છેલ્લા સાત વર્ષથી ગાંધીનગરની TCS કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. રજાના દિવસોમાં તે રાજકોટ આવતી હતી.
ઈન્સ્ટાગ્રામ પર ઓળખાણ બાદ નોકરીની લાલચ
યુવતી ઈન્સ્ટાગ્રામ પર ‘પ્રતીક 7539’ નામના એકાઉન્ટને ફોલો કરતી હતી. ગત 17 મેના રોજ પ્રતીક ભારદ્વાજ નામના શખ્સે યુવતીને મેસેજ કર્યો હતો. તેણે પોતે ભારતીય એરફોર્સમાં કર્ણાટક ખાતે ફરજ બજાવતો હોવાનું અને ‘સૂર્યકિરણ ટીમ’માં ફ્લાઈંગ બ્રાન્ચના સ્ક્વોડ્રન લીડર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
યુવતીને પણ એરફોર્સમાં નોકરી કરવાની ઈચ્છા હોવાથી તેણે આરોપી પાસેથી નોકરી અંગે વધુ માહિતી મેળવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર વાતચીત થવા લાગી હતી.
‘ઈન્ટરનલ લેવડદેવડથી નોકરી અપાવી દઈશ’ કહી ફસાવી
આરોપીએ યુવતીને એરફોર્સમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં, ‘ઈન્ટરનલ રૂપિયા આપીને પણ નોકરી મેળવી શકાય છે’ તેવી વાત કરી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં તેણે પોતાના મોબાઈલ નંબર આપ્યા હતા.
આરોપીએ એરફોર્સની નોકરી માટે રૂપિયા ભરવા પડશે તેમ કહી શરૂઆતમાં રૂ.8 હજારની માંગણી કરી હતી. યુવતીએ તેના કહેવા મુજબ આધારકાર્ડ, માર્કશીટ અને ફોટા સહિતના દસ્તાવેજો પણ મોકલ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ તબક્કામાં યુવતી પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.
‘બેકગ્રાઉન્ડ ચેક ફેલ થયો’ કહી વધુ રૂ.1.15 લાખ પડાવ્યા
થોડા સમય બાદ આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે તેનો બેકગ્રાઉન્ડ ચેક ફેલ થયો છે અને હવે ઉપરી અધિકારીને વધુ રૂપિયા આપવા પડશે. આ બહાને તેણે વધુ રૂ.1.15 લાખની માંગણી કરી હતી. નોકરી મળવાની આશાએ યુવતીએ આ રકમ પણ આરોપીને આપી હતી.
આ રીતે યુવતીએ આરોપીને કુલ રૂ.1.95 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પૈસા ચૂકવ્યા બાદ પણ નોકરીનો કોઈ લેટર મળ્યો નહોતો. આરોપીએ વધુ રૂપિયા માંગતા યુવતીને સમગ્ર મામલે શંકા ગઈ હતી.
1930 પર ફરિયાદ કરતાં પોલીસ તપાસ શરૂ
ઠગાઈની જાણ થતાં યુવતીએ CID ક્રાઈમ ગાંધીનગરની હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી ફ્રોડ અંગે અરજી કરી હતી. ત્યારબાદ ગુનો નોંધાયા બાદ યુનિવર્સિટી પોલીસ મથકના PI કે.કે. ગોહીલની રાહબરી હેઠળ ASI સંજયભાઈ ઠાકર, હેડ કોન્સ્ટેબલ રાહુલ ઠાકુર, કોન્સ્ટેબલ સાવનભાઈ વસોયા અને TRB હેમાંગભાઈ સહિતની ટીમે ટેક્નિકલ સોર્સ અને માનવ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે આરોપી **પ્રતીક મહેશ ભારદ્વાજ (ઉં.વ.33, રહે. શાંતીનિકેતન પાર્ક-4, રૈયા રોડ, નાણાવટી ચોક, રાજકોટ)**ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અન્ય યુવક-યુવતીઓ પણ ભોગ બન્યા છે કે કેમ?
હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ આર્થિક ભીંસ દૂર કરવા માટે આ રીતે ઠગાઈનું કારસ્તાન કર્યું હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપીએ એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી અન્ય કોઈ યુવક-યુવતીને પણ પોતાની જાળમાં ફસાવી છે કે કેમ.








