BRICS-2026 સમિટમાં ખાસ સુરક્ષિત કારો બની આકર્ષણનું કેન્દ્ર : પુતિનની Aurus Senat અને જિનપિંગની Hongqi N701એ ખેંચ્યું સૌનું ધ્યાન
નવી દિલ્હી : દિલ્હીમાં યોજાઈ રહેલી BRICS-2026 સમિટમાં વિશ્વના શક્તિશાળી નેતાઓની સાથે તેમના સુરક્ષા કાફલાની ખાસ ગાડીઓ પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખાસ કારોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જિનપિંગ Hongqi N701માં જ્યારે પુતિન પોતાની ખાસ Aurus Senat લિમોઝિનમાં સવાર થઈને દિલ્હી પહોંચ્યા છે.
આ બંને કાર માત્ર લક્ઝરી માટે જાણીતી નથી, પરંતુ અત્યાધુનિક ટેક્નોલોજી, સુરક્ષા અને બંને દેશોની સ્વદેશી ઓટોમોબાઇલ ક્ષમતાનું પ્રદર્શન પણ કરે છે.
598 હોર્સપાવરની Aurus Senat
પુતિનની Aurus Senatમાં 4.4 લિટર ટ્વિન-ટર્બો V8 હાઇબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 598 હોર્સપાવર અને 880 Nm ટોર્ક જનરેટ કરે છે. 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથેની આ કાર 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ લગભગ 6 સેકન્ડમાં પકડી શકે છે અને તેની મહત્તમ ઝડપ 249 કિમી પ્રતિ કલાક સુધી હોવાનું જણાવાય છે.
સુરક્ષાની દૃષ્ટિએ પણ Aurus Senatને ખાસ બનાવવામાં આવી છે. કારને ભારે ગોળીબાર, ગ્રેનેડ તથા વિસ્ફોટ જેવા જોખમો સામે રક્ષણ આપવા માટે મજબૂત બોડી અને સુરક્ષા કવચથી સજ્જ કરવામાં આવી છે. જાડા મલ્ટી-લેયર બુલેટપ્રૂફ ગ્લાસ અને રન-ફ્લેટ ટાયર જેવી સુવિધાઓ કારને હુમલા બાદ પણ આગળ વધવામાં મદદ કરે છે.
કેમિકલ હુમલા સામે પણ સુરક્ષા
Aurus Senatમાં ઇમરજન્સી પરિસ્થિતિ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે. તેમાં કેમિકલ હુમલાની સ્થિતિમાં સુરક્ષા આપવા માટે સ્વતંત્ર એર-ફિલ્ટરેશન સિસ્ટમ, મજબૂત ફ્યુઅલ ટેન્ક, ઇમરજન્સી એક્ઝિટ અને આગ સામે રક્ષણ માટેની વ્યવસ્થા સામેલ હોવાનું જણાવાય છે.
રશિયાની સ્વદેશી શક્તિનું પ્રદર્શન
Aurus Senatનો સિવિલિયન વર્ઝન પણ મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ છે. તેની કિંમત આશરે 1.8 કરોડ રૂબલ એટલે કે અંદાજે રૂ.2.5 કરોડ હોવાનું જણાવાય છે. રશિયા માટે આ કાર માત્ર રાષ્ટ્રપતિની સુરક્ષાનું સાધન નથી, પરંતુ Rolls-Royce અને Mercedes-Maybach જેવી વૈશ્વિક લક્ઝરી કાર સામે પોતાની સ્વદેશી ઓટોમોબાઇલ ક્ષમતા દર્શાવવાનું પ્રતિક પણ છે.
‘ચાલતો-ફરતો કિલ્લો’ છે પુતિનની કાર
વિદેશ પ્રવાસ દરમિયાન પુતિનનો વિશાળ સુરક્ષા કાફલો પણ સાથે રહે છે. તેમાં તેમની વ્યક્તિગત Aurus Senat લિમોઝિન સૌથી મહત્વની કાર છે. આ કારને તેની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાઓને કારણે ‘રોડ પર ચાલતો-ફરતો કિલ્લો’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Aurus Senatને રશિયાના ‘કોર્ટે જ’ (Kortezh) પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવી હતી. વર્ષ 2018માં આ કારને રજૂ કરવામાં આવી હતી. તેની ડિઝાઇનમાં સોવિયત યુગની પ્રસિદ્ધ ZIS-110 લિમોઝિનની છાપ જોવા મળે છે.








