બ્રિકસ બેઠક પૂર્વે રશિયા-ઈરાનના અમેરિકા વિરોધી પ્રહારો : ભારત ચિંતિત

પુતિન-પેજેશ્કિયનના આક્રમક નિવેદનો ચર્ચામાં : મોદી સાથે બંને નેતાઓની હાથમાં હાથ નાખીને ચાલતી તસવીર વાઇરલ

નવી દિલ્હી: બ્રિકસ શિખર પરિષદ શરૂ થાય તે પહેલાં જ રાજદ્વારી માહોલ ગરમાયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન દ્વારા અમેરિકા અને પશ્ચિમી દેશોની નીતિઓ સામે કરવામાં આવેલા આકરા પ્રહારોને કારણે ભારતની ચિંતા વધી છે. ભારત બ્રિકસ મંચને સહયોગ અને આર્થિક ભાગીદારી માટેનું પ્લેટફોર્મ જાળવી રાખવા માગે છે, ત્યારે તેને અમેરિકા વિરોધી મંચનું સ્વરૂપ ન મળે તે પણ ભારત માટે મહત્વનું છે.

બ્રિકસ ફોરમમાં રશિયા અને ઈરાન તરફથી અમેરિકાની નીતિઓની ટીકા કરવામાં આવી હતી. બંને દેશોએ અમેરિકા તરફથી ઈરાન સામે કરવામાં આવેલી કાર્યવાહીને ઉશ્કેરણીજનક ગણાવી હતી અને બ્રિકસ દેશોએ આવા દબાણ તથા પડકારોનો સામૂહિક રીતે સામનો કરવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

પેજેશ્કિયનનો અમેરિકા-ઈઝરાયેલ પર આકરો પ્રહાર

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને દિલ્હીમાં ધાર્મિક નેતાઓ, બુદ્ધિજીવીઓ અને શિક્ષણશાસ્ત્રીઓને સંબોધતા અમેરિકા અને ઈઝરાયેલ સામે આકરું વલણ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દાદાગીરી અને અહંકાર સામે ઈરાન ઝૂકશે નહીં અને અન્યાય સામે પણ મક્કમતાથી ઊભું રહેશે.

પેજેશ્કિયને અમેરિકા અને ઈઝરાયેલ પર ગંભીર આક્ષેપો કરતા બંને દેશોને આતંકવાદ સાથે પણ સાંકળ્યા હતા. તેમના આ નિવેદનોને કારણે બ્રિકસ બેઠક પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે.

પુતિને પણ અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવ્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને પણ અમેરિકા પર સીધા-આડકતરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે અમેરિકા વિવિધ માર્ગો દ્વારા પોતાનું વૈશ્વિક વર્ચસ્વ જાળવી રાખવા પ્રયાસ કરે છે. સૈન્ય શક્તિના ઉપયોગથી લઈને ઔદ્યોગિક અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં અવરોધ ઊભો કરવા જેવા પ્રયાસોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

પુતિને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધોના ઉપયોગ સામે પણ સવાલ ઉઠાવતા બ્રિકસ દેશોએ આવા પડકારોનો સામૂહિક રીતે સામનો કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

ભારત માટે સંતુલન જાળવવાનો પડકાર

રશિયા અને ઈરાનના આ નિવેદનોમાં બ્રિકસને પણ સાંકળવાનો પ્રયાસ થતાં ભારત માટે રાજદ્વારી સંતુલન જાળવવાનો પડકાર ઊભો થયો છે. ભારત એક તરફ રશિયા સાથેના પરંપરાગત અને વ્યૂહાત્મક સંબંધો જાળવી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા સાથે પણ મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો વિકસાવી રહ્યું છે.

આ સંજોગોમાં દિલ્હી ખાતે યોજાતી બ્રિકસ બેઠક અમેરિકા અને પશ્ચિમી દેશોના વિરોધના મંચ તરીકે ન દેખાય તે ભારત માટે મહત્વનું બની શકે છે. ખાસ કરીને ભારતની ધરતી પરથી અમેરિકા વિરુદ્ધના આકરા નિવેદનો થાય તો ભવિષ્યમાં ભારત-અમેરિકા સંબંધો પર તેની રાજદ્વારી અસર પડે તેવી શક્યતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

મોદી-પુતિન-પેજેશ્કિયનની તસવીર વાયરલ

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે જોવા મળેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ બની છે. ત્રણેય નેતાઓ સાથે ચાલતા હોવાના આ દૃશ્યને બ્રિકસ બેઠકના રાજદ્વારી સંદર્ભમાં ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આગમન બાદ બ્રિકસ મંચ પર વૈશ્વિક વેપાર, ટેક્નોલોજી, ડોલરનું પ્રભુત્વ અને પશ્ચિમી દેશોની નીતિઓ અંગે કયા પ્રકારની ચર્ચા થાય છે તેના પર ભારત સહિત સમગ્ર વિશ્વની નજર રહેશે.

Leave a Comment

और पढ़ें