એશિયન ગેમ્સ : 18 સપ્ટેમ્બરથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું ‘મિશન ગોલ્ડ’, પુરુષ ટીમ 28મીએ ઉતરશે

જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમો ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 18 સપ્ટેમ્બરે યજમાન જાપાન સામે પ્રથમ મેચ રમશે, જ્યારે પુરુષ ક્રિકેટ ટીમ 28 સપ્ટેમ્બરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની બંને ટીમોને સીધી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળ્યું હોવાથી તેઓ ગ્રુપ તબક્કાની શરૂઆતની મેચો રમ્યા વિના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરશે.

શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની પુરુષ ટીમ અને હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. બંને ટીમોએ અગાઉની એશિયન ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યા હતા, તેથી આ વખતે પણ ભારતીય ટીમો પાસેથી ચાહકોને મોટી અપેક્ષા છે.

પુરુષ ટીમનો મુકાબલો ગ્રુપ-એની ટીમ સામે

ભારતીય પુરુષ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં ગ્રુપ-એમાં બીજા સ્થાને રહેલી ટીમ સામે રમશે. ગ્રુપ-એમાં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાની તમામ ક્રિકેટ મેચો નાગોયા નજીકના કોરોગી એથલેટિક પાર્ક ખાતે યોજાશે.

મહિલા વર્ગની ફાઈનલ 22 સપ્ટેમ્બરે, જ્યારે પુરુષ વર્ગની ફાઈનલ 3 ઓક્ટોબરે રમાવાની છે. બંને ભારતીય ટીમો સીધા નોકઆઉટ તબક્કામાં પ્રવેશતી હોવાથી શરૂઆતથી જ ગોલ્ડ મેડલ માટેની રેસમાં મજબૂત સ્થિતિમાં રહેશે.

OCAએ ખેલાડીઓની સંખ્યા અંગે મર્યાદા મૂકી

આગામી એશિયન ગેમ્સમાં જાપાને 15 હજારથી વધુ સહભાગીઓને સમાવી શકવાની અસમર્થતા દર્શાવી છે. તેને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)એ ભારત સહિત તમામ રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓને પોતાના દળની સંખ્યા નિર્ધારિત મર્યાદામાં રાખવા સૂચના આપી છે.

OCAએ NOCsને છેલ્લી ઘડીએ નવા ખેલાડીઓનાં નામ ઉમેરવાની વિનંતી ન કરવા પણ સલાહ આપી છે. ભારતે આ એશિયન ગેમ્સ માટે અત્યાર સુધીમાં 492 ખેલાડીઓને મંજૂરી આપી છે.

Leave a Comment

और पढ़ें