નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે. જળપ્રલયની સૌથી ગંભીર અસર હિમાલયી કોરિડોરના રસુવાગઢી વિસ્તારમાં થઈ છે. ભારત, નેપાળ અને તિબેટ-ચીન વચ્ચે વેપાર માટે મહત્વપૂર્ણ રહેલો આ માર્ગ 260 વર્ષથી વધુ સમયથી આ પ્રદેશની વેપાર વ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. પૂરનાં પાણી અને કાટમાળના કારણે માર્ગ તથા આસપાસના માળખાંને ભારે નુકસાન થયું છે.
રસુવાગઢી માર્ગનો ઉપયોગ સદીઓથી વેપારીઓ, તીર્થયાત્રીઓ અને સૈન્ય દ્વારા કરવામાં આવતો હતો. આધુનિક ટ્રકો અને વાહનોના યુગ પહેલાં ભોટે કોશી ખીણમાંથી ખચ્ચરોના કાફલા દ્વારા ચોખા અને અન્ય અનાજ નેપાળથી ગ્યારોંગ સુધી પહોંચાડવામાં આવતા હતા. તેના બદલામાં વેપારીઓ તિબેટ પાસેથી મીઠું અને ઊન મેળવતા હતા. નેપાળના પહાડી વિસ્તારોમાં મીઠાની ભારે માંગ હોવાથી તેનો વેપાર દક્ષિણ તરફ ભારત સુધી પણ થતો હતો.
વેપાર સાથે સૈન્ય માટે પણ મહત્વપૂર્ણ માર્ગ
આ કોરિડોરનું મહત્વ માત્ર વેપાર પૂરતું સીમિત નહોતું. 1744માં ગોરખા સેનાએ નવાકોટ પર કબજો મેળવ્યો હતો. તિબેટ સાથેના ફાયદાકારક વેપાર પર નિયંત્રણ મેળવવું પણ આ અભિયાનનો એક મહત્વપૂર્ણ હેતુ હતો. ત્યારબાદ 1788 અને 1791માં તિબેટ સામેના નેપાળી સૈન્ય અભિયાન દરમિયાન પણ આ માર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1792માં ચીની અને તિબેટી સેનાના વળતા હુમલામાં પણ આ વિસ્તાર મહત્વપૂર્ણ રહ્યો હતો.
1855માં વધુ એક સૈન્ય અભિયાનની તૈયારી દરમિયાન જંગ બહાદુર રાણાએ સરહદ નજીક રસુવાગઢી કિલ્લો બનાવ્યો હતો. આશરે 171 વર્ષ જૂનો આ ઐતિહાસિક કિલ્લો આજે પણ આધુનિક રસુવાગઢી-ગ્યિરોગ કસ્ટમ્સ ક્રોસિંગ નજીક જોવા મળે છે.
ઇલેક્ટ્રિક વાહનોના વેપાર માટે પણ બન્યું મહત્વનું પ્રવેશદ્વાર
1950 બાદ રાજકીય પરિવર્તનો અને નવા માર્ગોના નિર્માણ સાથે ખચ્ચરોના કાફલા આધારિત જૂની વેપારી વ્યવસ્થા ધીમે ધીમે સમાપ્ત થઈ હતી. જોકે, હિમાલયી માર્ગ પરથી વેપાર અલગ સ્વરૂપમાં ચાલુ રહ્યો. સમય જતાં રસુવાગઢી ચીનથી નેપાળમાં આવતી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, કપડાં, જૂતાં અને ઇલેક્ટ્રિક વાહનો માટે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બની ગયું હતું.
હવે પૂરથી આ મહત્વપૂર્ણ કોરિડોરને થયેલા નુકસાનથી સરહદી વેપાર, માલ પરિવહન અને સ્થાનિક અર્થતંત્ર સામે મોટો પડકાર ઊભો થયો છે.
ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
નેપાળના પૂરથી અસરગ્રસ્ત ગુજરાતના નાગરિકો અને તેમના પરિવારજનો માટે રાજ્ય સરકારે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે.
- ગુજરાત રાજ્ય કંટ્રોલ રૂમ: 079-23251900
- હેલ્પલાઇન: 9978405304
- રાજ્ય હેલ્પલાઇન: 1070
- જિલ્લા હેલ્પલાઇન: 1077
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે નીચેના ઇમરજન્સી નંબરો જાહેર કરવામાં આવ્યા છે:
- +977 985 131 6807
- +977 970 910 7500
અસરગ્રસ્ત નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ જરૂરી માહિતી કે મદદ માટે સંબંધિત હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે.









