યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનો દાવો; હુમલામાં રશિયાનું Ka-27 હેલિકોપ્ટર નષ્ટ, નવેમ્બરમાં અત્યાર સુધી 4 રશિયન જહાજો પર હુમલા
કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો વ્યાપ હવે આફ્રિકાના દરિયાઈ વિસ્તાર સુધી પહોંચ્યો છે. યુક્રેને આફ્રિકન દેશ લીબિયાના દરિયાકાંઠા નજીક રશિયન યુદ્ધવાહક જહાજ ‘મર્ક્યુરી’ પર મોટો હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં યુક્રેનમાં તૈયાર કરવામાં આવેલા સાત સમુદ્રી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલામાં રશિયન સેનાનું કામોવ Ka-27 હેલિકોપ્ટર નષ્ટ થયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
નવેમ્બરમાં રશિયાનાં ચાર જહાજો નિશાન પર
યુક્રેન દ્વારા નવેમ્બર મહિનામાં રશિયાનાં જહાજો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. યુક્રેને રશિયન માલવાહક જહાજ MV અંગારાને પણ નિશાન બનાવ્યું હતું. યુક્રેનનો દાવો છે કે આ જહાજનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે હથિયારો પહોંચાડવા માટે કરવામાં આવતો હતો.
હુમલા બાદ સામે આવેલી સેટેલાઇટ તસવીરોમાં ‘મર્ક્યુરી’ જહાજ સમુદ્રમાં ડૂબેલી સ્થિતિમાં જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુક્રેનના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં રશિયાનાં કુલ ચાર જહાજો પર હુમલા કરવામાં આવ્યા છે.
ઈંધણ અને જરૂરી સામાન લેવા પહોંચ્યું હતું જહાજ
મળતી માહિતી મુજબ, રશિયન યુદ્ધવાહક જહાજ ‘મર્ક્યુરી’ લીબિયાના પૂર્વીય શહેર બેંગાજીના નેવલ બેઝ પર પહોંચ્યું હતું. અહીં તે ઈંધણ અને અન્ય જરૂરી સામાન લેવા આવ્યું હોવાનું જણાવાયું છે. આ દરમિયાન થયેલા વિસ્ફોટ બાદ જહાજમાં આગ લાગી હતી, જેને લીબિયાની સિવિલ ડિફેન્સ ટીમે કાબૂમાં લીધી હતી.
રશિયાનાં નવા યુદ્ધવાહક જહાજોમાં સામેલ હતું મર્ક્યુરી
‘મર્ક્યુરી’ રશિયન નૌકાદળનાં નવાં યુદ્ધવાહક જહાજોમાંનું એક હતું. વર્ષ 2019માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તે શિપયાર્ડની મુલાકાત લીધી હતી, જ્યાં આ જહાજનું નિર્માણ થઈ રહ્યું હતું. વર્ષ 2023માં રશિયન નેવી ડેની પરેડ દરમિયાન પણ આ જહાજને વિશેષ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
આ હુમલાને કારણે રશિયા-યુક્રેન યુદ્ધમાં સમુદ્રી મોરચે તણાવ વધુ વધવાની શક્યતા છે. જોકે, હુમલાથી થયેલા સંપૂર્ણ નુકસાન અને જહાજની સ્થિતિ અંગેની વિગતો સંબંધિત પક્ષોના દાવાઓના આધારે સામે આવી રહી છે.









