શહેરની 32 ખાદ્યપદાર્થોની પેઢીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ; 17 પેઢીઓને નોટિસ ફટકારી, ₹7,500નો વહીવટી ચાર્જ વસૂલ્યો
રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થોના વેચાણ અને અસ્વચ્છતા સામે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા-ફૂડ વિભાગે વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી અને ખાદ્યપદાર્થોની દુકાનો સહિત કુલ 32 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 17 કિલો જેટલા અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ નિયમોના ભંગ બદલ 17 પેઢીઓને નોટિસ આપી કુલ ₹7,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
ખાદ્યપદાર્થોના સાત નમૂના તપાસ માટે મોકલાયા
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ કાર્યવાહી દરમિયાન કુલ સાત નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાં પનીર, મગનું શાક, બટર, મિક્સ દૂધ, લાલ મરચું પાઉડર, હળદર અને ગ્રેવીનો સમાવેશ થાય છે. તમામ નમૂનાઓને ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ગોંડલ રોડ પર બોમ્બે ગેરેજ પેટ્રોલ પંપ પાસે આવેલી ધ પાઇનવેન્ટા હોટલને સ્વચ્છતા અંગે નોટિસ આપવામાં આવી હતી. અહીંથી પનીર અને મગના શાકના નમૂના લેવાયા હતા. કોઠારિયા રોડ પરની જય યોગેશ્વર ડેરીફાર્મમાંથી બટર અને મિક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે 80 ફૂટ રોડ પર આવેલી તપસી રેસ્ટોરન્ટમાંથી લાલ મરચું પાઉડર, હળદર અને ગ્રેવીના નમૂના લેવામાં આવ્યા હતા.
જય દેવજીવન રેસ્ટોરન્ટ અને પ્રોવિઝન સ્ટોરમાંથી વાસી જથ્થો જપ્ત
જૂના જકાતનાકા સામે કુવાડવા હાઇવે પર આવેલી જય દેવજીવન રેસ્ટોરન્ટમાંથી અંદાજે છ કિલો વાસી મંચુરિયન, પનીર અને બાંધેલા લોટનો નાશ કરવામાં આવ્યો હતો. લાઇસન્સ અને સ્વચ્છતા અંગે નોટિસ આપીને ₹500નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
કોઠારિયા રોડની ન્યુ સાગર સોસાયટીમાં આવેલી રહાન પ્રોવિઝન સ્ટોરમાંથી એક્સપાયરી ફૂડ પેકેટ અને પસ્તી સહિત પાંચ કિલો જથ્થાનો નાશ કરાયો હતો. અહીં પણ ₹500નો ચાર્જ વસૂલાયો હતો. ભોજલરામ સોસાયટીની શ્રી હરિ પ્રોવિઝનમાંથી છ કિલો એક્સપાયરી ફૂડ પેકેટનો નાશ કરીને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી અને ₹500નો વહીવટી ચાર્જ લેવામાં આવ્યો હતો.
હોટલ-રેસ્ટોરન્ટને સ્વચ્છતા અને લાઇસન્સ અંગે નોટિસ
મનપાની ટીમે 80 ફૂટ રોડ પર આવેલી જય ખોડિયાર ચાઇનીઝ એન્ડ પંજાબી, ક્રિષ્ના દાળપકવાન અને શ્યામ પાન ચાની તપાસ કરી હતી. આ ત્રણેય પેઢીઓને હાઇજેનિક કન્ડિશન અંગે નોટિસ આપવામાં આવી હતી અને દરેક પાસેથી ₹500નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
પ્રમુખરાજ ડેરી ફાર્મ પાસેથી ₹500નો ચાર્જ લેવામાં આવ્યો હતો. જૂના માર્કેટ યાર્ડની શ્રીજી એન્ટરપ્રાઇઝને સ્વચ્છતા અંગે નોટિસ આપી ₹2,000નો ચાર્જ વસૂલાયો હતો. ભવાની ચોક, કોઠારિયા રોડની સૈરાની ફિશને લાઇસન્સના મુદ્દે નોટિસ આપી ₹1,000નો ચાર્જ વસૂલાયો હતો. સૈરાની સમોસા અને સંતોષ પ્રોવિઝનને પણ લાઇસન્સ અંગે નોટિસ આપી દરેક પાસેથી ₹500 લેવામાં આવ્યા હતા.
અન્ય વિસ્તારોમાં પણ તપાસનો વ્યાપ વધારાયો
મોરબી હાઇવે પર આવેલી શક્તિ ચાપડી ઊંધિયુંને સ્વચ્છતા અંગે નોટિસ આપવામાં આવી હતી. માલધારી પાન કાફેને લાઇસન્સ, શ્રુતિ ચટણીને લેબલિંગ તથા નકળંગ ટી નાસ્તા અને શ્રી મોગલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સને લાઇસન્સ સંબંધિત બાબતે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત રેસકોર્સ રિંગ રોડ પર પટેલ આઇસ્ક્રીમ, ભક્તિનગર સર્કલ પર સોનારૂપા આઇસ્ક્રીમ, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ફેવરિટ આઇસ્ક્રીમ, રૈયા રોડ પર બીગડીલ આઇસ્ક્રીમ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે મિસ્ટર સેન્ડવીચ વડાવ્યા, 150 ફૂટ રિંગ રોડ પર કમલેશ આઇસ્ક્રીમ અને 99 પેરેલલ કાફેમાં પણ તપાસ કરવામાં આવી હતી.
જૂના જકાતનાકા સામેની માલધારી હોટલ અને કનૈયા રેસ્ટોરન્ટ તેમજ પુનિતનગર અને 80 ફૂટ રોડ વિસ્તારની ખોડલધામ ફાસ્ટ ફૂડ, બાપા સીતારામ નાસ્તાગૃહ, જલિયાણ પાઉભાજી અને નાગદાદા રેસ્ટોરન્ટ એન્ડ હોટલ સહિતની પેઢીઓ પણ ચેકિંગ હેઠળ આવી હતી.
લેબોરેટરી રિપોર્ટ બાદ ગુણવત્તાની સ્થિતિ સ્પષ્ટ થશે
મનપાની ફૂડ શાખાની આ કાર્યવાહી દરમિયાન કુલ 32 પેઢીઓની તપાસ, 17 પેઢીઓને નોટિસ, 17 કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ તથા ₹7,500નો વહીવટી ચાર્જ વસૂલવાની કામગીરી કરવામાં આવી હતી. ખાદ્યપદાર્થોના સાત નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટના આધારે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વધુ વિગતો સામે આવશે.








