વડોદરામાં એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું? AK-47 સાથે શખ્સ ઝડપાયો

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો ખુલાસો; 23 જીવતા કારતૂસ, મોબાઇલ અને અન્ય પુરાવા મળ્યા

ગુજરાતમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરતાં ગુજરાત એટીએસે વડોદરા નજીકથી એક શખ્સને AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની અને પાકિસ્તાનમાં રહેલા હેન્ડલરના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. એટીએસના જણાવ્યા મુજબ, આરોપીનું નિશાન વડોદરાનું એરફોર્સ સ્ટેશન હતું અને તેણે આ સ્થળની રેકી પણ કરી હતી.

મોબાઇલમાંથી એરફોર્સ સ્ટેશનના ફોટા-વીડિયો મળ્યા

ગુજરાત એટીએસના જણાવ્યા પ્રમાણે, ઝડપાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ શહરૂલ ઇસ્લામ તરીકે થઈ છે. તેના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટોગ્રાફ અને વીડિયો મળી આવ્યા હતા. આરોપીએ એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે જઈને સ્થળની રેકી કરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

આરોપીના મોબાઇલમાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધિત સાહિત્ય પણ મળી આવ્યું હોવાનું એટીએસે જણાવ્યું છે. હાલ તેની ગુપ્ત સ્થળે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

છ મહિનાથી વધુ સમયથી એટીએસની નજરમાં હતો

મળતી માહિતી અનુસાર, વડોદરામાં શંકાસ્પદ આતંકવાદી છુપાયો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસે તેની શોધખોળ શરૂ કરી હતી. એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી માહિતી બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપી વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલી મિલન હોટલમાં રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, એટીએસની ટીમ ત્યાં પહોંચે તે પહેલાં જ તે સ્થળ પરથી નાસી ગયો હતો. તેનો કાયમી મોબાઇલ નંબર બંધ થતાં તપાસ ટીમે અન્ય નંબરના આધારે તેની હિલચાલ પર નજર રાખી હતી.

દાહોદથી વડોદરા આવતી વખતે ઝડપી પાડ્યો

પ્રાથમિક તપાસ મુજબ, આરોપી મૂળ આસામના કરીમગંજ જિલ્લાનો રહેવાસી છે. તે આસામથી ભોપાલ અને ત્યારબાદ બસ મારફતે વડોદરા પહોંચ્યો હતો. જાહેર સ્થળોને નિશાન બનાવવાના હેતુથી ગુજરાતમાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દાહોદથી વડોદરા પરત ફરી રહ્યો હતો ત્યારે એટીએસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા હતા. કાર્યવાહી અંગેની વિગતોમાં હાલોલ અને જરોદ નજીક દરોડા પાડવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

AK-47 ગુજરાતના દાહોદમાંથી મેળવી હોવાનો ખુલાસો

આ કેસમાં હથિયારના સ્ત્રોત અંગે પણ મહત્ત્વપૂર્ણ વિગતો સામે આવી છે. એટીએસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ AK-47 રાઇફલ ગુજરાતના દાહોદમાંથી મેળવી હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદમાં તેને આ હથિયાર કોણે આપ્યું હતું, હથિયારની હેરાફેરીમાં અન્ય કોણ સંડોવાયેલું છે અને આરોપી સુધી રાઇફલ કેવી રીતે પહોંચી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કડીમાં અન્ય લોકોની ધરપકડ થવાની શક્યતા પણ તપાસ એજન્સી દ્વારા ધ્યાનમાં રાખવામાં આવી રહી છે.

મોબાઇલ ખરીદવા પાકિસ્તાની હેન્ડલરે આપ્યા ₹50 હજાર

તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી માટે મોબાઇલ ખરીદવા પાકિસ્તાની હેન્ડલર દ્વારા ઓનલાઇન ₹50,000 ચૂકવવામાં આવ્યા હતા. આરોપી છેલ્લા એક વર્ષથી પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આરોપીએ વિવિધ વીડિયો જોઈને રાઇફલ ચલાવવાની તાલીમ મેળવી હોવાનું પણ સામે આવ્યું છે. હવે પાકિસ્તાની હેન્ડલર સાથેના તેના સંપર્કો અને આર્થિક વ્યવહારોની વિગતો તપાસવામાં આવી રહી છે.

આતંકવાદી નેટવર્કની કડીઓ શોધવા તપાસ તેજ

ગુજરાત એટીએસ દ્વારા આરોપીના મોબાઇલ ડેટા, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધો, હથિયાર મેળવવાની પ્રક્રિયા અને એરફોર્સ સ્ટેશનની રેકી અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. દાહોદમાંથી AK-47 મેળવવાની કડીને પણ ગંભીરતાથી તપાસવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें