જામનગરની જાણીતી સુરેશ ફરસાણમાં ગંભીર બેદરકારી, ચવાણામાંથી તળાયેલી ગરોળી મળી

ગ્રાહકે અડધું પેકેટ ખાધા પછી સામે આવી ચોંકાવનારી ઘટના; રસોડામાં ખરાબ તેલ મળતાં ફૂડ શાખાની કાર્યવાહી, અગાઉ દંડ છતાં સુધારો ન થતાં ત્રણ દિવસ માટે પેઢી બંધ

જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની દુકાન વિવાદમાં આવી છે. અહીંથી ખરીદવામાં આવેલા ચવાણાના પેકેટમાંથી તળાયેલી મૃત ગરોળી મળી આવતાં ગ્રાહક સહિત પરિવારજનોમાં ભારે આઘાત ફેલાયો હતો. આ મામલે મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરવામાં આવતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફરસાણ બનાવવાના રસોડામાં ખરાબ તેલ પણ મળી આવ્યું હતું. અગાઉ પણ સ્વચ્છતા અંગેની ખામીઓ બદલ દંડ ફટકારાયો હોવા છતાં સુધારા ન થતાં પેઢીને ત્રણ દિવસ માટે બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

પેકેટનું અડધું ચવાણું ખાધા બાદ થયો ખુલાસો

મળતી માહિતી મુજબ, બે-ત્રણ દિવસ પહેલાં એક ગ્રાહકે નાગનાથ ગેટ પાસે આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. ગઈકાલે પરિવારજનોએ ઘરે પેકેટ ખોલીને ચવાણું ખાવાનું શરૂ કર્યું હતું. લગભગ અડધું પેકેટ ખાઈ લીધા બાદ અંદર તળાયેલી હાલતમાં મૃત ગરોળી જોવા મળતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા સમજી ગ્રાહકે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગ્રાહક ચવાણાનું પેકેટ લઈને ફૂડ શાખાની ટીમ સાથે દુકાને પહોંચ્યા હતા. દુકાનદાર અને અધિકારીઓની હાજરીમાં પેકેટ ખોલીને તેમાં રહેલી ગરોળી બતાવવામાં આવી હતી.

રસોડામાં ખરાબ તેલ મળી આવતાં તપાસ તેજ

ફરિયાદના આધારે ફૂડ શાખાના મુખ્ય અધિકારી નિલેશ પી. જાસીલીયા અને તેમની ટીમે દુકાન તેમજ ફરસાણ તૈયાર કરવામાં આવતા રસોડાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ખરાબ તેલ મળી આવ્યું હતું. આ ઉપરાંત ખાદ્યચીજોના નમૂના લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

રસોડાની બારીઓ ખુલ્લી હોવાનું પણ તપાસમાં ધ્યાન પર આવ્યું હતું. ખુલ્લી બારીઓના કારણે ગરોળી સહિતનાં જીવજંતુઓ અંદર પ્રવેશી શકે તેવી શક્યતા હોવાથી અધિકારીઓએ તમામ બારીઓ પર જાળી લગાવવા સૂચના આપી હતી. સાથે જ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી જરૂરી ખામીઓ તાત્કાલિક દૂર કરવા કડક આદેશ આપવામાં આવ્યા હતા.

અગાઉની તપાસમાં પણ ખામીઓ મળી હતી

ફૂડ શાખાના અધિકારીઓના જણાવ્યા મુજબ, સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની પેઢીની અગાઉ 13 ઓક્ટોબરના રોજ પણ મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી ખામીઓ સામે આવી હતી. આથી દુકાન સંચાલકને જરૂરી સુધારાઓ કરવા સૂચના આપવામાં આવી હતી અને રૂ. 5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

જોકે, અગાઉની કાર્યવાહી અને સૂચનાઓ છતાં તાજેતરની તપાસમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. વારંવાર બેદરકારી જોવા મળતાં ફૂડ શાખાએ આ વખતે કડક પગલાં લીધાં છે.

ત્રણ દિવસ સુધી દુકાન બંધ રાખવાનો આદેશ

ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ફૂડ શાખાએ સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની પેઢીને ત્રણ દિવસ માટે બંધ કરાવી છે. દુકાન ફરી શરૂ કરવા માટે સંચાલકોએ જરૂરી સ્વચ્છતા અને સુરક્ષાના સુધારાઓ પૂર્ણ કરવા પડશે.

આ ઉપરાંત સંબંધિત દસ્તાવેજો ફૂડ શાખા સમક્ષ રજૂ કરવાના રહેશે. ત્યારબાદ વિભાગની મંજૂરી મળ્યા પછી જ દુકાન ફરી શરૂ કરી શકાશે. ફૂડ શાખાની આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થો બનાવતા અને વેચતા એકમોમાં સ્વચ્છતાના નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી એકવાર સામે આવ્યું છે.

Leave a Comment

और पढ़ें