તમામ રિટર્ન ભરેલા હોય અને ટેક્સ, વ્યાજ કે દંડ બાકી ન હોય તો અધિકારીની તપાસની જરૂર નહીં પડે; ઓનલાઈન પોર્ટલ દ્વારા જ રજીસ્ટ્રેશન રદ કરવાની નવી વ્યવસ્થા અમલમાં આવશે
GST રજીસ્ટ્રેશન રદ કરાવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થતા વેપારીઓને હવે રાહત મળવાની છે. 1 ડિસેમ્બરથી લાગુ થનારા નવા નિયમો હેઠળ પાત્ર વેપારીઓનું GST રજીસ્ટ્રેશન અધિકારીની તપાસ વિના ઓનલાઈન આપોઆપ રદ થઈ શકશે. વેપારીએ રજીસ્ટ્રેશન રદ કરવાની અરજી કરી હોય અને તેના તમામ રિટર્ન જમા કરાવેલા હોય, તેમજ ટેક્સ, વ્યાજ, ચાર્જ અને દંડનું કોઈ લેણું બાકી ન હોય તો આ સુવિધાનો લાભ મળશે.
ઓનલાઈન અરજીથી જ પૂર્ણ થશે રદ કરવાની પ્રક્રિયા
નવી વ્યવસ્થા મુજબ, વેપારી દ્વારા રજીસ્ટ્રેશન રદ કરવા માટે કરવામાં આવેલી અરજીની ચકાસણી બાદ પાત્ર કિસ્સાઓમાં સિસ્ટમ દ્વારા આપોઆપ રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે GST અધિકારીની અલગથી તપાસની જરૂર રહેશે નહીં.
ખાસ બાબત એ છે કે વેપારીએ જે તારીખથી રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરી હશે, તે જ તારીખથી રજીસ્ટ્રેશન રદ થયેલું માનવામાં આવશે. આ અંગેની જાણકારી GSTના ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ GST REG-38 મારફતે આપવામાં આવશે.
અગાઉની બે શરતોમાંથી વેપારીઓને મુક્તિ
ઓટોમેટિક રજીસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે અગાઉ લાગુ કરવામાં આવેલી બે શરતો પણ દૂર કરવામાં આવી છે.
પહેલી શરત મુજબ, રજીસ્ટ્રેશન મેળવ્યાની તારીખથી રદ કરવાની અરજી કરવામાં આવી ત્યાં સુધીના સમયગાળામાં કોઈપણ મહિનામાં વધારાની સપ્લાય પર વેપારીની કર જવાબદારી રૂ. 2.50 લાખથી વધુ ન હોવી જરૂરી હતી. હવે આ મર્યાદાની શરત દૂર કરવામાં આવી છે.
બીજી શરત હેઠળ વેપારીએ GST R-10 નિર્ધારિત સમયમર્યાદાના ત્રણ દિવસમાં જમા કરાવવાનું રહેતું હતું. નવી વ્યવસ્થામાં આ શરત પણ હટાવી દેવામાં આવી છે.
1 ડિસેમ્બરથી નવી વ્યવસ્થા અમલી
નવા નિયમોનો મુખ્ય હેતુ GST રજીસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવાનો છે. જે વેપારીઓ તમામ જરૂરી રિટર્ન સમયસર જમા કરાવે છે અને જેમના પર ટેક્સ, વ્યાજ, ચાર્જ કે દંડનું કોઈ બાકી લેણું નથી, તેઓ હવે અધિકારીની તપાસ વિના ઓનલાઈન રદ કરવાની સુવિધાનો લાભ મેળવી શકશે.
આ ફેરફારથી વેપારીઓને વહીવટી પ્રક્રિયામાંથી રાહત મળશે અને GST રજીસ્ટ્રેશન બંધ કરાવવાની કામગીરી વધુ સરળ બનશે.








