મોરવા હડફના વાંસદેલીયા ગામે SOGનો દરોડો; FSL તપાસમાં ગાંજાની ખેતીની પુષ્ટિ, અનોપસિંહ રાવત સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. વાંસદેલીયા ગામના એક ખેતરમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાની બાતમી મળતાં પંચમહાલ SOG અને મોરવા હડફ પોલીસની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાંથી ગાંજાના 33 લીલા છોડ મળી આવ્યા હતા. આ છોડનું કુલ વજન 42.500 કિલોગ્રામ અને બજાર કિંમત ₹21.25 લાખ આંકવામાં આવી છે. પોલીસે ખેતરના માલિકની અટકાયત કરી છે.
SOGને મળી હતી ગાંજાની ખેતીની બાતમી
મોરવા હડફ તાલુકાના વાંસદેલીયા ગામના રાવત ફળિયામાં રહેતા અનોપસિંહ મથુરભાઈ રાવત પોતાની જમીનમાં ગાંજાના છોડ ઉગાડતા હોવાની માહિતી પંચમહાલ SOGને મળી હતી. બાતમીને આધારે SOG અને મોરવા હડફ પોલીસની સંયુક્ત ટીમે અનોપસિંહ રાવતના ખેતરમાં તપાસ હાથ ધરી હતી.
ખેતરમાંથી 33 લીલા છોડ મળી આવ્યા
પોલીસની તપાસ દરમિયાન ખેતરમાં નાના-મોટા કદના ગાંજાના કુલ 33 છોડ મળી આવ્યા હતા. છોડ ગાંજાના જ છે કે નહીં તેની ખરાઈ કરવા FSLની મદદથી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. પરીક્ષણમાં તમામ છોડ ગાંજાના હોવાનું સ્પષ્ટ થયું હતું.
ત્યારબાદ પોલીસે તમામ છોડનું સ્થળ પર વજન કરતાં કુલ 42.500 કિલોગ્રામ થયું હતું. પોલીસે ₹21,25,000ની કિંમતના આ ગાંજાના છોડ કબજે કર્યા હતા.
ખેડૂતની અટકાયત, NDPS હેઠળ ગુનો
આ કાર્યવાહી દરમિયાન પોલીસે અનોપસિંહ મથુરભાઈ રાવતને અટકાયતમાં લીધો હતો. તેની વિરુદ્ધ મોરવા હડફ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખેતરમાં ગાંજાની ખેતી કરવા પાછળનો હેતુ શું હતો અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









