મુંબઈ જતી દુરંતો એક્સપ્રેસ પર પથ્થરમારો, AC કોચની બારીનો કાચ તૂટ્યો

નાગપુરના અજની સ્ટેશન નજીક સોમવારે રાત્રે બની ઘટના; A2 કોચની ચાર સીટ પાસે નુકસાન, સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુર નજીક ચાલુ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બનતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સોમવારે રાત્રે લગભગ 8:10 વાગ્યે નાગપુરથી મુંબઈ જઈ રહેલી દુરંતો એક્સપ્રેસ અજની સ્ટેશન પસાર કરી રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા. આ પથ્થરમારામાં ટ્રેનના AC કોચની બારીનો બહારનો કાચ તૂટી ગયો હતો. જોકે, અંદર બેઠેલા મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.

A2 કોચમાં ચાર સીટ પાસે કાચ તૂટ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રેન નંબર 12290 નાગપુર-મુંબઈ દુરંતો એક્સપ્રેસના A2 AC કોચમાં પથ્થરમારાની અસર જોવા મળી હતી. કોચની સીટ નંબર 13, 14, 15 અને 16 પાસેની બારીનો બહારનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો.

રાહતની વાત એ રહી કે બારીનો અંદરનો ભાગ અકબંધ હતો. જેના કારણે પથ્થરમારાની ગંભીર અસર મુસાફરો સુધી પહોંચી નહોતી અને કોઈને ઈજા થઈ નહોતી.

કોણે કર્યો પથ્થરમારો? પોલીસ તપાસમાં લાગી

ઘટના બાદ રેલવે પોલીસ દ્વારા પથ્થરમારો કરનારા અજાણ્યા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પથ્થરમારો કયા સ્થળેથી કરવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.

રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાની તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ચાલુ ટ્રેન પર થયેલા આ પથ્થરમારામાં મુસાફરોનો બચાવ થયો છે, પરંતુ રેલવે સુરક્ષાને લઈને આ ઘટનાએ ચિંતા ઊભી કરી છે.

Leave a Comment

और पढ़ें