નર્મદા પાર્કના ફ્લેટમાં દરોડો પાડી દેશી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ કબજે; કુખ્યાત પેંડા ગેંગના ઇમરાન ઉર્ફે બાપુડીનું નામ ખુલતાં શોધખોળ તેજ
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખનારા શખ્સો સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. SOGની ટીમે પંડિત દીનદયાળ રોડ પર આવેલા નર્મદા પાર્કના ફ્લેટમાં દરોડો પાડી મિત્રો સાથે પાર્ટી કરી રહેલા બિલાલ દિલાવર ઉઠામણાને દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં આ હથિયાર કુખ્યાત પેંડા ગેંગના ઇમરાન ઉર્ફે બાપુડીએ પૂરું પાડ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસ અધિકારીઓની સૂચનાથી SOGનું પેટ્રોલિંગ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદેસર હથિયારોના વેચાણ સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, DCP ક્રાઇમ જગદીશ બાંગરવા અને ACP ક્રાઇમ ભરત બસિયાએ સૂચનાઓ આપી હતી.
આ સૂચનાઓના પગલે SOG PI એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI બી.વી. ચુડાસમા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ASI રવિભાઈ વાંક, સિદ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઈ બાળા તથા હેડ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકાને ચોક્કસ બાતમી મળી હતી કે નર્મદા પાર્કના બીજા માળે ફ્લેટ નંબર 4માં એક શખ્સ ગેરકાયદેસર દેશી પિસ્તોલ સાથે હાજર છે.
ફ્લેટમાં દરોડો, બિલાલ પાસેથી હથિયાર મળ્યું
બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. ફ્લેટમાં હાજર બિલાલ દિલાવર ઉઠામણા (ઉંમર 26 વર્ષ), રહે. દુધસાગર રોડ, ભગવતી સોસાયટી, અશરફી ચિકન સામે, હૈદરી ચોક, રાજકોટને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ કબજે કર્યા હતા. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હથિયારના સ્ત્રોત અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
સસરા સાથેની માથાકૂટના કારણે હથિયાર રાખ્યું હોવાની વિગતો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બિલાલના ચોટીલા રહેતા સસરા કુખ્યાત અવેશ ગની સાથે માથાકૂટ ચાલી રહી હતી. આ વિવાદને કારણે બિલાલે હથિયાર પોતાની પાસે રાખ્યું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. થોડા દિવસ પહેલાં તે આ જ હથિયાર લઈને ચોટીલા પણ ગયો હતો.
બિલાલે પિસ્તોલ પુનિતનગરની શેરી નંબર 3માં રહેતા ઇમરાન ઉર્ફે બાપુડી હાસમ સૈયદ પાસેથી મેળવી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
સ્નેપચેટ સ્ટોરીથી પોલીસને મળી કડી
આરોપી બિલાલ ચોટીલા ગયો હતો ત્યારે તેની સાથેના એક શખ્સે સ્નેપચેટ મારફતે હથિયાર સાથેનો તેનો ફોટો પાડ્યો હતો. ત્યારબાદ આ ફોટો સ્નેપચેટ સ્ટોરીમાં મૂકવામાં આવ્યો હતો. હથિયાર સાથેનો ફોટો પોલીસના ધ્યાનમાં આવતાં SOGએ બિલાલની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે બિલાલ નર્મદા પાર્કના ફ્લેટમાં મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી તેને હથિયાર સાથે ઝડપી લીધો હતો.
ઇમરાન ઉર્ફે બાપુડીનો ગુનાહિત ઇતિહાસ
આ કેસમાં હથિયાર પૂરું પાડનાર ઇમરાન ઉર્ફે બાપુડી કુખ્યાત પેંડા ગેંગનો સાગરીત હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ લૂંટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત SRP જવાન પાસેથી રિવોલ્વર ઝૂંટવીને ભાગી જવા સહિતના ગુનાઓમાં પણ તેનું નામ હોવાનું પોલીસની માહિતીમાં જણાવાયું છે.
ઇમરાન આશરે એક મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ SOGની ટીમ તેની શોધખોળ કરી રહી છે. બિલાલને હથિયાર ક્યાંથી મળ્યું, તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને સમગ્ર હથિયાર નેટવર્કમાં કોણ સામેલ છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.









