1993થી ભારત માટે વોન્ટેડ દાઉદ અંગેનો રિપોર્ટ સુધારવાની માગ, ખોટી માહિતી માટે જવાબદારી નક્કી કરવા ભારતે જણાવ્યું
નવી દિલ્હી: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ભારતમાં રહેતો હોવાનો ઉલ્લેખ ધરાવતા સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)ના એક અહેવાલ સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતે દાવો કર્યો છે કે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટો બાદથી વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં રહે છે અને તેને ત્યાં સરકારી સંરક્ષણ મળતું હોવાની આશંકા છે. ભારતે અહેવાલમાં સુધારો કરવાની સાથે ખોટી માહિતી માટે જવાબદારી નક્કી કરવાની પણ માગ કરી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ જણાવ્યું હતું કે દાઉદ ઈબ્રાહીમ 1993 બાદ ભારત છોડીને ભાગી ગયો હતો. શરૂઆતમાં અન્ય દેશોમાં રહ્યા બાદ તેણે પાકિસ્તાનને પોતાનું ઠેકાણું બનાવ્યું હોવાનો ભારતનો દાવો છે. ભારતીય પ્રતિનિધિએ UNના અહેવાલમાં દાઉદ ભારતમાં રહેતો હોવાના ઉલ્લેખને સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ભારતે વધુમાં જણાવ્યું હતું કે અહેવાલમાં આવી ગંભીર ભૂલ હોય તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ. જો આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થઈ શકે છે.
ભારતીય પ્રતિનિધિએ ઓસામા બિન લાદેનના પાકિસ્તાનના એબટાબાદમાં મળી આવવાના ઘટનાક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો. લાદેનને અમેરિકન દળોએ 2011માં એબટાબાદમાં સૈન્ય છાવણી નજીકના ઠેકાણે ઠાર કર્યો હતો. ભારતે દાઉદ ઈબ્રાહીમના પાકિસ્તાનમાં હોવાના પોતાના દાવાને રજૂ કરતાં આ ઘટનાનો સંદર્ભ આપ્યો હતો.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અંગે ભારતે ફરી સ્પષ્ટ કર્યું હતું કે બંને કેન્દ્રશાસિત પ્રદેશો દેશના અભિન્ન અંગ છે અને તેમના અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે.









