‘પીપલ્સ અગેઈન્સ્ટ SIR’ના આંદોલનમાં પરકલા પ્રભાકર, પ્રશાંત ભૂષણ અને રાકેશ ટિકૈત સહિતના આગેવાનો જોડાશે
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે આવતીકાલે, 23 ઓક્ટોબરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાવાનું છે. ‘પીપલ્સ અગેઈન્સ્ટ SIR’ સંગઠનના નેજા હેઠળ યોજાનારા આ વિરોધ પ્રદર્શનમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ પરકલા પ્રભાકર સહિત વિવિધ ક્ષેત્રના જાણીતા લોકો અને અનેક સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે.
આંદોલનકારીઓની મુખ્ય માગણી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સંપૂર્ણપણે રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ વિરોધમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, મજૂરો અને વિવિધ સામાજિક સંગઠનોના કાર્યકરો જોડાશે.
વિરોધ પ્રદર્શનમાં પરકલા પ્રભાકર, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, ખેડૂત નેતા રાકેશ ટિકૈત, અભિનેતા અને સામાજિક કાર્યકર પ્રકાશ રાજ તથા AISAનાં અધ્યક્ષ નેહા બોરા સહિતના આગેવાનો સામેલ થવાના છે.
આંદોલન દરમિયાન ‘હર હાથ મેં તિરંગા, હર ગલી મેં જંતર-મંતર’નો નારો ગુંજશે. ઉલ્લેખનીય છે કે, 14 ઓક્ટોબરે વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મજૂરો, મહિલાઓ, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર સમુદાય સહિતના વિવિધ વર્ગોનાં સંગઠનોએ સાથે મળીને ‘પીપલ્સ અગેઈન્સ્ટ SIR’ ગઠબંધનની રચના કરી હતી.








