સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ટેરિફ-મુક્ત આયાતને વધુ બે મહિના માટે મંજૂરી આપી
તહેવારોની સિઝનમાં દેશમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા જાળવવા અને ઘરેલુ બજારમાં ભાવવધારાને નિયંત્રિત કરવાના હેતુથી કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયની નવી સૂચના અનુસાર, ટેરિફ રેટ ક્વોટા (TRQ) હેઠળ 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાત કરવાની સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર, 2026 કરવામાં આવી છે.
આ પહેલાં સરકારે 20 ઓગસ્ટે 10 લાખ ટન કાચી ખાંડની આયાતને 31 ઓક્ટોબર સુધી મંજૂરી આપી હતી. જોકે, દેશમાં ખાંડના ઉત્પાદન અંગેના અંદાજોમાં ઘટાડો થવાની શક્યતા અને તહેવારો દરમિયાન વધતી માગને ધ્યાનમાં રાખીને આ સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
શા માટે સમયમર્યાદા વધારવામાં આવી?
તહેવારો દરમિયાન મીઠાઈઓ અને અન્ય ખાદ્ય ચીજોમાં ખાંડનો વપરાશ વધતો હોવાથી બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે જરૂરી છે. ખાંડની અછત ઊભી ન થાય અને ભાવમાં અચાનક વધારો ન થાય તે હેતુથી સરકારે આયાતની સમયમર્યાદા વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી ભારતીય રિફાઇનરીઓ અને આયાતકારોને આંતરરાષ્ટ્રીય બજારમાંથી કાચી ખાંડ ખરીદવા માટે વધારાનો સમય મળશે. સરકારના આ પગલાથી ઘરેલુ પુરવઠો જાળવવામાં મદદ મળી શકે છે. જોકે, ખાંડના છૂટક ભાવ પર તેની કેટલી અસર થશે તે બજારની સ્થિતિ અને પુરવઠા પર નિર્ભર રહેશે.








