દિવાળી પહેલાં ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 40થી 60%નો ઉછાળો: ગિફ્ટ પેકમાં હવે સીડ્સ, નટ્સ અને બેરીઝનો ટ્રેન્ડ

મોંઘા માલભાડા અને પુરવઠામાં વિક્ષેપથી પિસ્તા-બદામના ભાવ વધ્યા; કોર્પોરેટ ગિફ્ટિંગમાં ટ્રેલ મિક્સને પ્રાધાન્ય

દિવાળી પહેલાં ડ્રાયફ્રૂટ્સના ભાવમાં મોટો ઉછાળો નોંધાતા ગ્રાહકોના બજેટ પર અસર પડી છે. આંતરરાષ્ટ્રીય તણાવ, મોંઘા પરિવહન ખર્ચ અને પુરવઠામાં વિક્ષેપને કારણે પિસ્તા, બદામ, ખજૂર અને કાજુ સહિતના ડ્રાયફ્રૂટ્સ મોંઘા થયા છે. વિવિધ વેપારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક ડ્રાયફ્રૂટ્સના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 35થી 60 ટકા કે તેથી વધુનો વધારો થયો છે.

ભાવવધારાની અસર દિવાળીના ગિફ્ટિંગ માર્કેટમાં પણ જોવા મળી રહી છે. કોર્પોરેટ કંપનીઓ પરંપરાગત ડ્રાયફ્રૂટ્સના બોક્સને બદલે બદામ-નટ્સ સાથે ક્રેનબેરી, બ્લૂબેરી જેવા બેરીઝ અને કોળું તથા સૂરજમુખીના બીજ ધરાવતા ટ્રેલ મિક્સને પ્રાધાન્ય આપી રહી છે. આ વિકલ્પો પરંપરાગત ડ્રાયફ્રૂટ્સની સરખામણીએ 30થી 40 ટકા સુધી સસ્તા પડતા હોવાથી કંપનીઓ ગિફ્ટિંગની નીતિમાં ફેરફાર કરી રહી છે.

ગિફ્ટિંગ બોક્સ પણ મોંઘાં

CAITના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરના જણાવ્યા અનુસાર, ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 35થી 40 ટકા સુધીના વધારાને કારણે કંપનીઓને ગિફ્ટિંગના વિકલ્પો બદલવાની ફરજ પડી રહી છે. બીજી તરફ, APMC સ્થિત નટ્સવાલા દેવ એન્ટરપ્રાઇઝના પ્રમુખ સૂરજ સાબૂના જણાવ્યા મુજબ, પિસ્તાના ભાવ ગત વર્ષની સરખામણીએ બમણા થયા છે, જ્યારે બદામના ભાવમાં આશરે 50 ટકાનો વધારો થયો છે. ગિફ્ટિંગ બોક્સની કિંમતોમાં પણ લગભગ 8 ટકાનો વધારો નોંધાયો છે.

પુરવઠામાં વિક્ષેપથી બજાર પર અસર

મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ યોગેશ ગણાત્રાના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સંઘર્ષને કારણે કેલિફોર્નિયાથી બદામનાં કન્સાઇનમેન્ટ મોડાં આવી રહ્યાં છે, જ્યારે ઈરાનથી પિસ્તાની આયાતમાં ઘટાડો થયો છે. પરિણામે ડ્રાયફ્રૂટ્સના ભાવ ઊંચા રહેતાં કેટલાક ગ્રાહકો ટ્રેલ મિક્સ તરફ વળી રહ્યા છે. જોકે, ઊંચી કિંમતોને કારણે બજારમાં અપેક્ષા મુજબની માગ જોવા મળી રહી નથી.

ગત વર્ષની સરખામણીએ ડ્રાયફ્રૂટ્સના ભાવમાં વધારો

ડ્રાયફ્રૂટ્સ ભાવમાં વધારો પિસ્તા 60થી 80% બદામ 40થી 50% ખજૂર 30થી 40% કાજુ 20થી 30% કિસમિસ 5થી 10%

દિવાળીના તહેવાર પહેલાં ભાવવધારાને કારણે પરંપરાગત ડ્રાયફ્રૂટ્સની ખરીદી મોંઘી બની છે. તેથી ગિફ્ટિંગ માર્કેટમાં સીડ્સ, નટ્સ અને બેરીઝના મિશ્રણવાળા પેકેટ્સનો વિકલ્પ વધુ લોકપ્રિય બની રહ્યો છે.

Leave a Comment

और पढ़ें