સુરેન્દ્રનગરમાં દારૂના બે દરોડાથી બુટલેગરોમાં ફફડાટ: 22.62 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ ઝડપાયા અને બે ફરાર

સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી સામે પોલીસે બે અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરી છે. વઢવાણ-લખતર હાઈવે પર એલસીબીની ટીમે દરોડો પાડીને બે શખ્સોને દારૂ-બિયર સાથે ઝડપી લીધા હતા, જ્યારે દસાડા તાલુકામાં દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતો એક યુવાન પોલીસના હાથે ઝડપાયો હતો. બંને કાર્યવાહીમાં દારૂ-બિયર, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 22,62,829નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે, દારૂ ભરેલી કારમાં સવાર બે શખ્સો ફરાર થઈ જતાં પોલીસે તેમની શોધખોળ તેજ કરી છે.

વઢવાણ-લખતર હાઈવે પર એસ.એસ. વ્હાઇટ ફેક્ટરી સામે દારૂનો જથ્થો હોવાની બાતમી મળતાં સુરેન્દ્રનગર એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન વઢવાણની સુડવેલ સોસાયટીમાં રહેતા જાહિદ ઉર્ફે લાલો અબ્બાસભાઈ લાખવા અને હસન ખલીલભાઈ શેખને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી દારૂની 2,089 બોટલો, બિયરના 362 ટીન, બે મોબાઈલ અને કાર સહિત રૂ. 10,13,206નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પકડાયેલા જાહિદની પૂછપરછ દરમિયાન રિયાઝ ઉર્ફે રોકી ઉર્ફે પ્રફુલ્લ મહેબુબભાઈ અને રાજસ્થાનના સાંચોરના રાજુ મારવાડી સહિતના શખ્સોનાં નામ સામે આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે વઢવાણ પોલીસ મથકે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, દસાડા તાલુકાના મીઠાઘોડાથી મુલાડા તરફ વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર પસાર થવાની બાતમીના આધારે પાટડી ડીવાયએસપી સ્ક્વોડે રાત્રે 3:15 વાગ્યે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૂ ભરેલી કારની આગળ આઈ-10 કારમાં પાયલોટિંગ કરતો નવા સવલાસનો 27 વર્ષીય ઈમ્તિયાઝ મહમદખાન મલેક પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે પાછળ આવતી સ્વિફ્ટ ડિઝાયર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સવાર બે શખ્સો કાર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

પકડાયેલા ઈમ્તિયાઝની પૂછપરછમાં ફરાર શખ્સો તરીકે ઈમ્તિયાઝ બાપજીરાજ મલેક અને દીપક વાસુદેવભાઈ ઠાકોરનાં નામ સામે આવ્યાં હતાં. આ કાર્યવાહીમાં પોલીસે દારૂની 1,533 બોટલો, બિયરના 160 ટીન, બે કાર અને મોબાઈલ સહિત રૂ. 12,49,623નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરાર બંને આરોપીઓને ઝડપી લેવા પીએસઆઈ વી.જે. માલવિયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें