કોબેમાં વસતા ગુજરાતીઓ સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા ચર્ચા; ગુજરાતના MSME ઉદ્યોગોને જાપાનમાં નવી બિઝનેસ તકો મળે તે માટે સંકલન પર ભાર
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે જાપાનની મુલાકાતે ગયેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોબે ખાતે વસતા ગુજરાતી અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. વર્ષ 1904થી કાર્યરત 120 વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવતા ઐતિહાસિક ‘કોબે ઇન્ડિયા ક્લબ’ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે ગુજરાત અને વિદેશમાં વસતા ગુજરાતીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ પહેલાં તેમણે નજીક આવેલા જૈન દેરાસરની મુલાકાત લઈને દર્શન-અર્ચન પણ કર્યાં હતાં.
ગુજરાત અને જાપાન વચ્ચે સતત સંવાદ પર ભાર
ઇન્ડિયા ક્લબ ખાતે સમુદાયને સંબોધતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત અને વિદેશમાં વસતા ગુજરાતીઓ વચ્ચેનો સંબંધ માત્ર ઔપચારિક મુલાકાતો પૂરતો સીમિત ન રહેવો જોઈએ. દર બે વર્ષે યોજાતા ડેલિગેશનના સ્વાગતથી આગળ વધીને બંને પક્ષો વચ્ચે સતત સંવાદ જળવાઈ રહે તેવું મજબૂત માળખું ઊભું કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કોબે અને જાપાનમાં વસતા ભારતીય સમુદાયે વર્ષોની મહેનતથી સ્થાનિક સ્તરે વિશ્વાસ અને સન્માન મેળવ્યાં છે. આ અનુભવ અને નેટવર્કનો લાભ ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સહિત નાના-મોટા ઉદ્યોગોને મળી શકે તે માટે પ્રયાસો કરવા જોઈએ.
ગુજરાતના ઉદ્યોગો માટે જાપાનમાં નવી તકો
ગુજરાતના ઉદ્યોગોને જાપાનમાં નવા વ્યાપારી ભાગીદારો અને બિઝનેસની તકો ઉપલબ્ધ થાય તે માટે સ્થાનિક સ્તરે વિશેષ પ્લેટફોર્મ વિકસાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ દિશામાં ગુજરાતનો ઉદ્યોગ વિભાગ અને ભારતીય દૂતાવાસ સંકલન સાધીને સહયોગ આપે તેવી વાત તેમણે કરી હતી.
આવા સંયુક્ત પ્રયાસોથી ગુજરાત અને જાપાન વચ્ચે વેપાર, ઉદ્યોગ અને આર્થિક ભાગીદારીને નવી દિશા મળી શકે છે. ખાસ કરીને ગુજરાતના MSME ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવામાં મદદરૂપ થાય તેવી તકો વિકસાવવાનો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રવાસી ગુજરાતીઓની સેવાભાવનાને બિરદાવી
નાયબ મુખ્યમંત્રીએ વિદેશમાં વસતા હોવા છતાં પોતાની માતૃભૂમિ અને વતન ગુજરાત સાથે જોડાયેલા રહેતા પ્રવાસી ગુજરાતી પરિવારોની સેવાભાવનાની પ્રશંસા કરી હતી. સામાજિક ક્ષેત્રે તેમના યોગદાનને બિરદાવતાં તેમણે ગુજરાત સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે સમુદાયની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને સમુદાયના સભ્યોએ હર્ષ સંઘવીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સાથે જ ગુજરાત સાથે વેપાર, ઉદ્યોગ અને સાંસ્કૃતિક સંબંધોને વધુ સુદૃઢ બનાવવા સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.








