કટિંગ થાય તે પહેલાં જ અમરેલી રોડ પર દરોડો; વિદેશી દારૂની 5,616 બોટલ અને બિયરના 4,608 ટીન ભરેલો ટ્રક ઝડપાયો, એક આરોપી પકડાયો
મોરબીના વીંછીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર ઈંટોના ભઠ્ઠા નજીકથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથેનો ટ્રક ઝડપાતાં ચકચાર મચી છે. જિલ્લા LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દારૂ-બિયરના કટિંગ પહેલાં જ કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 5,616 બોટલ અને બિયરના 4,608 ટીન મળી આવ્યાં હતાં.
પોલીસે દારૂ-બિયર ઉપરાંત ટ્રક, ત્રણ ટ્રોલી સાથેનાં ટ્રેક્ટર, ચાર મોટરસાઇકલ અને એક મોબાઇલ ફોન સહિત કુલ ₹81,11,288નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સંદીપ ભુપતભાઈ અગેચાણીયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂ-બિયરના જથ્થા સાથે વાહનો પણ જપ્ત
જિલ્લા LCBના PI એસ.પી. જાડેજાને મળેલી બાતમીના આધારે PSI બી.ડી. ભટ્ટ, વી.જી. માલાણી અને LCB તથા પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે કાર્યવાહી કરી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹41,10,288 અને બિયરના ટીનની કિંમત ₹5,76,000 હોવાનું સામે આવ્યું છે. બાકીના મુદ્દામાલમાં ટ્રક અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે.
દારૂ મંગાવનાર સહિતના શખ્સો સામે તપાસ
પોલીસના જણાવ્યા મુજબ, રોહિત ઉર્ફે બબલુ બાબુભાઈ અગેચાણીયા અને અક્ષય બાબુભાઈ અગેચાણીયાએ દારૂ-બિયરનો જથ્થો મંગાવ્યો હોવાની વિગતો સામે આવી છે. ટ્રકચાલક, ત્રણ ટ્રેક્ટર અને ચાર બાઇકના ચાલકો તેમજ જથ્થો મોકલનાર શખ્સની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.
આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી સામે આવશે તો તેની સામે પણ કાયદેસર પગલાં લેવામાં આવશે.








