વેરાવળમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરીને રૂ.5.76 લાખની કિંમતનું એમ્ફેટામિન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એન્ટી નાર્કોટિક્સ વિંગ અને SOGની સંયુક્ત ટીમે દરોડો પાડી એક આરોપીને ઝડપી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ, મોબાઇલ ફોન અને ઓટોરિક્ષા સહિત કુલ રૂ.6,32,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસને 12 ઓક્ટોબરના રોજ મળેલી બાતમીના આધારે વેરાવળ બસ સ્ટેશન સામે આવેલા શક્તિ મોલની પાછળ, સાંગાણી હોસ્પિટલ તરફ જતી ગલીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય અલારખા ઇબ્રાહીમ કેસરીયાની તપાસ કરતાં તેની પાસેથી 57.65 ગ્રામ એમ્ફેટામિન મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સની કિંમત રૂ.5,76,500 આંકીને આરોપીની ધરપકડ કરી હતી.
ડ્રગ્સ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે
પોલીસે સ્થળ પરથી ડ્રગ્સ ઉપરાંત બે પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ, પાર્સલનાં કાગળો, લેડીઝ ડ્રેસ, એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને એક ઓટોરિક્ષા કબજે કરી હતી. તમામ વસ્તુઓની કુલ કિંમત રૂ.6.32 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ અને વેરાવળના બે શખ્સો પોલીસની પકડથી દૂર
આ કેસમાં મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા મોસીન યુસુફ તુર્ક અને વેરાવળની બાગે યુસુફ કોલોનીમાં રહેતા તોસીફ ઉર્ફે જીવાત મલેકની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. બંનેને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, માદક પદાર્થનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરવામાં આવતું હોવાની આશંકા છે.
આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(c), 22(c) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સક્રિય છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
એન્ટી નાર્કોટિક્સ વિંગ અને SOGની આ સંયુક્ત કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ જોડાઈ હતી. તપાસ આગળ વધતાં ડ્રગ્સની હેરાફેરી અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.









