IPL 2027માં રોહિત શર્માની ફરી કેપ્ટન તરીકે વાપસીની ચર્ચા, હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર સવાલો

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ચર્ચાઓ તેજ બની છે. અહેવાલો મુજબ, ફ્રેન્ચાઈઝી ફરી એકવાર પોતાના અનુભવી ખેલાડી રોહિત શર્માને ટીમની કમાન સોંપવા અંગે વિચારણા કરી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે 2013, 2015, 2017, 2019 અને 2020માં પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો હતો. પરંતુ 2024ની સિઝન પહેલાં તેના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિકની આગેવાનીમાં મુંબઈ 2024માં પોઈન્ટ ટેબલમાં છેલ્લે રહ્યું હતું, જ્યારે 2025માં પ્લે-ઓફ સુધી પહોંચ્યું હતું.

રોહિતની સંભવિત વાપસીની ચર્ચા વચ્ચે હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે પણ અટકળો શરૂ થઈ છે. અહેવાલોમાં હાર્દિકને અન્ય ફ્રેન્ચાઈઝી સાથે ટ્રેડ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સનાં નામ પણ ચર્ચામાં છે. રાજસ્થાન સાથે ડીલ થાય તો મુંબઈ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવા રસ દાખવી શકે તેવી પણ ચર્ચા છે.

મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા વિકલ્પો પણ છે. જો રોહિત ફરી કેપ્ટન બને, તો ફ્રેન્ચાઈઝી ભવિષ્યના નેતૃત્વ માટે યુવા ખેલાડીને તૈયાર કરવા પર પણ ધ્યાન આપી શકે છે. જોકે, IPL 2027 માટે કેપ્ટનશિપ કે ખેલાડીઓના ટ્રેડ અંગેની આ ચર્ચાઓને સત્તાવાર પુષ્ટિ મળવાની હજુ બાકી છે.

Leave a Comment

और पढ़ें