બ્રિટનમાં વર્ક વિઝાના નિયમોમાં મોટો ફેરફાર: શોષણનો ભોગ બનેલા ભારતીયોને રાહત, નોકરીદાતા બદલવાની મળશે તક

બ્રિટનમાં સ્કિલ્ડ વર્કર વિઝા પર કામ કરતા વિદેશી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સુરક્ષા નિયમો હેઠળ આધુનિક ગુલામી અને શોષણનો ભોગ બનેલા કર્મચારીઓ ખરાબ વર્તન કરનારા નોકરીદાતાને છોડીને અન્ય જગ્યાએ કાયદેસર કામ કરી શકશે. આ નિર્ણયથી બ્રિટનમાં કામ કરતા ભારતીય કર્મચારીઓને પણ ફાયદો થવાની શક્યતા છે.

બ્રિટિશ હોમ ઑફિસે 9 ઑક્ટોબરે આ ફેરફારની જાહેરાત કરી હતી. અગાઉ કેટલાક કર્મચારીઓ સ્પોન્સર કંપની દ્વારા વધુ પડતું કામ કરાવવું, ખરાબ વર્તન અને શોષણ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં નોકરી છોડતાં ખચકાતા હતા. તેમને ડર રહેતો હતો કે નોકરી છોડવાથી તેમના વિઝા અને ઇમિગ્રેશન સ્ટેટસ પર અસર પડી શકે છે.

નવા નિયમો મુજબ, હોમ ઑફિસ દ્વારા આધુનિક ગુલામીના પીડિત તરીકે સત્તાવાર રીતે ઓળખાયેલા કર્મચારીઓને ચોક્કસ સ્પોન્સર સાથે જ જોડાયેલા રહેવાની મજબૂરીમાંથી રાહત મળશે. તેઓ પોતાના વિઝાના બાકી સમયગાળા દરમિયાન કાયદેસર રીતે અન્ય કામ શોધી શકશે, જેથી શોષણકારી નોકરીદાતાઓ સામે પગલાં લેવાનું સરળ બની શકે.

બ્રિટિશ સરકારના આ પગલાનો હેતુ શોષણનો ભોગ બનેલા કર્મચારીઓને સુરક્ષા આપવાનો અને નોકરી ગુમાવવાના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાવાનું જોખમ ઘટાડવાનો છે. જોકે, કર્મચારીઓએ નવા નિયમો હેઠળ લાગુ પડતી શરતો અને પોતાની વિઝા કેટેગરી અંગે સત્તાવાર માર્ગદર્શન મેળવવું જરૂરી છે.

Leave a Comment

और पढ़ें