મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સાઉદી અરેબિયાના ઊર્જા મથકો પર થયેલા હુમલાઓના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 106.58 ડોલર અને અમેરિકાના WTI ક્રૂડનો ભાવ 94.94 ડોલર સુધી પહોંચતાં વૈશ્વિક ઊર્જા બજારમાં સપ્લાયને લઈને ચિંતા વધી છે.
યમનના હુથી બળવાખોરો દ્વારા ધહરાનમાં સાઉદી અરામકોની વહીવટી ઇમારતને નિશાન બનાવવામાં આવ્યા બાદ તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વધુ ઘેરી બની છે. જો ભાવમાં વધારો સતત ચાલુ રહેશે તો તેની અસર ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશો પર પડી શકે છે.
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ આયાત કરતું હોવાથી આંતરરાષ્ટ્રીય ભાવ વધવાથી દેશનું આયાત બિલ વધી શકે છે. પરિણામે વેપાર ખાધ પર દબાણ વધવાની સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ અને પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા રહે છે. તેની અસર માલસામાનના ઉત્પાદન અને વિતરણ ખર્ચ પર પણ પડી શકે છે.
આ ઉપરાંત, ક્રૂડ ઓઈલની આયાત માટે વધુ વિદેશી હૂંડિયામણ ખર્ચવું પડે તો ભારતીય રૂપિયા પર પણ દબાણ સર્જાઈ શકે છે. જો ઊંચા ભાવ લાંબા સમય સુધી યથાવત્ રહે તો દેશમાં મોંઘવારી વધવાની આશંકા છે. હવે વૈશ્વિક રાજકીય સ્થિતિ અને તેલના પુરવઠામાં થનારા ફેરફારો પર ભારત સહિત વિશ્વના અનેક દેશોની નજર રહેશે.








