અમેરિકામાં H-1B વિઝા અને ગ્રીન કાર્ડ સંબંધિત નિયમો કડક બનતાં વિદેશમાં વસતા ભારતીયોને સ્વદેશ પરત ફરીને દેશના આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકીય નેતાઓનાં સંતાનોએ હાર્વર્ડ, ઓક્સફર્ડ, યેલ સહિતની પ્રતિષ્ઠિત વિદેશી યુનિવર્સિટીઓમાંથી મેળવેલા શિક્ષણ અને તેમની કારકિર્દી અંગે ચર્ચા વેગવંતી બની છે.
ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના દિગ્ગજોએ ભારતીય પ્રતિભાઓને દેશમાં પરત ફરી નવી તકોનો લાભ લેવા અપીલ કરી છે. બીજી તરફ, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનાં સંતાનો વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી પત્રકારત્વ, વ્યવસાય, સંશોધન, રાજકારણ અને ટેકનોલોજી સહિતનાં ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી રહ્યાં છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનાં સંતાનો ધ્રુવ અને રાધિકા ગોયલે વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરના પુત્ર ધ્રુવ જયશંકર જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ વોશિંગ્ટનમાં થિંક ટેન્ક ક્ષેત્રે કાર્યરત છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામનની પુત્રી વાંગમયી પરાકલાએ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની મેડિલ સ્કૂલમાંથી પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યું છે અને લેખન તથા પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલી છે.
કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેયે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી કાયદામાં LLMની ડિગ્રી મેળવી છે, જ્યારે તેમના બીજા પુત્ર કુણાલે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાએ યેલ યુનિવર્સિટીમાંથી રાજનીતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને રમતગમત વહીવટ સાથે જોડાયેલા છે. તેમની પુત્રી અનન્યા રાજે ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની પુત્રી તાન્યા વૈષ્ણવે પણ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. બીજી તરફ, કોંગ્રેસના સાંસદ પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ રાજકારણમાં સક્રિય છે, જ્યારે કોંગ્રેસના નેતા શશી થરૂરના પુત્ર ઈશાન થરૂરે પત્રકારત્વ ક્ષેત્રે પોતાની ઓળખ ઊભી કરી છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની પુત્રી અદિતિ યાદવ પણ લંડનની યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)માં અભ્યાસ કરી રહી છે.
આ તમામ ઉદાહરણો વચ્ચે એક મોટો સવાલ ચર્ચામાં છે: વિદેશમાં શિક્ષણ અને કારકિર્દીની તકો મેળવ્યા બાદ ભારતીય પ્રતિભાઓ દેશના વિકાસમાં કેટલું યોગદાન આપી શકે? વિઝા નિયમોમાં કડકાઈથી ઊભી થતી અનિશ્ચિતતા વચ્ચે ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળી નોકરીઓ, વૈશ્વિક સ્તરનું સંશોધન અને આધુનિક ટેકનોલોજી માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું મહત્ત્વપૂર્ણ બન્યું છે. હવે દેશની પ્રતિભાઓને ભારતમાં જ શ્રેષ્ઠ તકો મળે અને તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત અંગે ચર્ચા તેજ બની છે.









