બિહારના વૈશાલી જિલ્લામાં ગંગા નદીમાં બોટ ડૂબવાની ગંભીર દુર્ઘટના સર્જાતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર શ્યામચંદ ગામ નજીક 15થી 20 લોકોને લઈ જતી બોટ અચાનક ગંગા નદીમાં ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. મૃતકોમાં મોટાભાગનાં બાળકોનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, બોટમાં સવાર લોકો એક ભોજ અથવા દાવતમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન નદીમાં બોટ અચાનક ડૂબી જતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
રાઘોપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના ડૉક્ટરે 13 લોકોનાં મોતની પુષ્ટિ કરી હોવાનું જણાવાયું છે. મૃતકોમાં મીરા કુમારી, નિશુ કુમારી, અનિષા કુમારી, સુનીતા કુમારી, આર્યન કુમાર, મોહન કુમાર, અમૃતા કુમારી, અંકિતા કુમારી, પિંકી કુમારી, નમન કુમાર, સિકી કુમારી, ભોનુ કુમારી અને સોનમ કુમારીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને વધુ સારવાર માટે ઉચ્ચ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. નદીમાં લાપતા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (NDRF) તથા રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF)ની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સ્થાનિક ગ્રામજનો પણ બચાવ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. અધિકારીઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
રાઘોપુરના ધારાસભ્ય અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પીડિત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે પોતાના કાર્યકરોને ઘટનાસ્થળે મોકલ્યા હોવાનું જણાવ્યું છે અને પ્રશાસન સાથે સંપર્ક જાળવી રાખ્યો છે.
ગંગા નદીમાં બનેલી આ દુર્ઘટનાથી મૃતકોનાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે. હાલ બચાવ કામગીરી અને ઘટનાને લગતી આગળની કાર્યવાહી પર તંત્રનું ધ્યાન કેન્દ્રિત છે.









