પંજાબમાં ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવતા એક્ટિવિસ્ટની લાઈવ દરમિયાન ગોળી મારી હત્યા

પંજાબના માનસા શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર એક્ટિવિસ્ટ પરવિન્દર જોટાની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. મેડિકલ સ્ટોરમાં નશીલા પદાર્થોના વેચાણના મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલામાં પરવિન્દરનું મોત થયું હતું, જ્યારે તેની સાથે રહેલી એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.

મળતી માહિતી મુજબ, પરવિન્દર એક મેડિકલ સ્ટોરમાં નશીલા પદાર્થોના વેચાણ અંગે સવાલ કરવા પહોંચ્યો હતો. તેણે સમગ્ર ઘટનાનું સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટોરના સંચાલક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ફાયરિંગ થયું હતું. ઘટનાની લાઈવ રેકોર્ડિંગ દરમિયાન અચાનક ફોન જમીન પર પડી જતો હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસને આશંકા છે કે મેડિકલ સ્ટોરના સંચાલકે ગોળીબાર કર્યો હોઈ શકે છે. ઘટના બાદ સંચાલક દુકાનને તાળું મારીને ફરાર થઈ ગયો હોવાની માહિતી છે. પોલીસે આસપાસના વિસ્તારો અને મેડિકલ સ્ટોરના CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

પરવિન્દર સોશિયલ મીડિયા મારફતે ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવતો હતો. અગાઉ પણ નશીલા પદાર્થોના વેચાણના આક્ષેપોને લઈને તે કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકો સાથે વિવાદમાં આવ્યો હતો. તેની ઓનલાઈન ઝુંબેશને કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો.

પંજાબમાં ડ્રગ્સ સામેની કાર્યવાહી વચ્ચે આ ઘટનાએ નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવનારા લોકોની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા કર્યા છે. જોકે, હત્યામાં કોની સંડોવણી છે તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.

Leave a Comment

और पढ़ें