15 ઓક્ટોબરથી રૂ.2,000થી વધુના વ્યવહારો પર 0.4% ચાર્જ લાગુ થવાનો હતો, વેપારી સંગઠનોના વિરોધ બાદ અમલ મોકૂફ
દેશભરમાં UPI પેમેન્ટ પર મર્ચન્ટ ચાર્જ લાગુ કરવાના નિર્ણય સામે વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનોમાં વિરોધ ઊભો થતાં આ નિર્ણય દિવાળી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. રૂ.2,000થી વધુના વ્યવહારો પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની યોજના 15 ઓક્ટોબરથી અમલમાં આવવાની હતી. જોકે, હવે આ ચાર્જ કઈ તારીખથી લાગુ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંબંધિત પક્ષકારો, બેન્કો અને UPI એપ્સ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વેપારી સંગઠનોએ ચાર્જ લાગુ કરવાની પ્રક્રિયામાં ઉતાવળ ન કરવા રજૂઆત કરી હતી. ઉપરાંત, ચાર્જના અમલ માટેની વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા હતા. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાલ પૂરતો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે.
પેટ્રોલ પંપથી વેપારી સંગઠનો સુધી વિરોધ
પ્રસ્તાવિત ચાર્જના વિરોધમાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશને પણ વાંધો ઉઠાવ્યો હતો. એસોસિયેશનની દલીલ હતી કે પહેલેથી જ ઓછા નફાના માર્જિન પર કામ કરતા પેટ્રોલ પંપ સંચાલકોને વધારાના ચાર્જથી આર્થિક અસર થઈ શકે છે. આથી દેશભરમાં પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ બંધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, વિવિધ વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરે ‘નો UPI ડે’ મનાવીને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનું કહેવું હતું કે UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગુ થવાથી તેમના ખર્ચમાં વધારો થશે અને ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને પણ અસર થઈ શકે છે.
ગ્રાહકો પર ચાર્જ નહીં, વેપારીઓ પર ભારની ચિંતા
પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ, UPI દ્વારા પેમેન્ટ કરનારા ગ્રાહકો પાસેથી સીધો ચાર્જ વસૂલવાનો નહોતો, પરંતુ વેપારીઓ અને પેમેન્ટ વ્યવસ્થા સાથે સંકળાયેલી સંસ્થાઓ વચ્ચે ચાર્જની જોગવાઈ અંગે વિવાદ ઊભો થયો હતો. વેપારીઓને આ ફોર્મ્યુલા સ્વીકાર્ય ન હોવાથી વિરોધ વધ્યો હતો.
દિવાળી સહિતના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી વધતી હોય છે. આવા સમયે UPI ચાર્જને લઈને ઊભા થયેલા વિવાદથી વેપાર અને ડિજિટલ પેમેન્ટ પર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે દિવાળી સુધી નિર્ણય મુલતવી રાખવામાં આવતાં વેપારીઓને હાલ પૂરતી રાહત મળી છે, પરંતુ ચાર્જના ભાવિ અમલ અંગેની અનિશ્ચિતતા યથાવત્ છે.









