કાનપુરમાં ગંગા બેરાજ નજીક ટ્રેનિંગ દરમિયાન એક ચાર સીટર એરક્રાફ્ટ ક્રેશ થતાં ગુજરાતના ઇન્સ્ટ્રક્ટર સહિત બે પાયલોટનાં મોત થયા છે. આ દુર્ઘટના સવારે નત્થા પુરવા ગામ નજીક બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, એરક્રાફ્ટમાં ગુજરાતના ઇન્સ્ટ્રક્ટર સચિન ભાટિયા અને કર્ણાટકના રહેવાસી ટ્રેઇની પાયલોટ અભિષેક પુજારી સવાર હતા. બંને ગર્ગ એવિએશન ટ્રેનિંગ સેન્ટરથી ટ્રેનિંગ માટે એરક્રાફ્ટ લઈને નીકળ્યા હતા. જોકે, ગંગા બેરાજ નજીક અચાનક એરક્રાફ્ટ ક્રેશ થતાં બંનેના મોત થયા હતા. ઘટનાની જાણ બંનેના પરિવારજનોને કરવામાં આવી છે.
વિસ્ફોટના અવાજ સાથે એરક્રાફ્ટ તૂટી પડ્યું
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એરક્રાફ્ટ ક્રેશ થયું તે પહેલાં વિસ્ફોટ જેવો મોટો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ એરક્રાફ્ટ નીચે તૂટી પડ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે એરક્રાફ્ટનો કાટમાળ આસપાસના વિસ્તારમાં વિખેરાયેલો જોવા મળ્યો હતો.
કાનપુર પોલીસ કમિશનર રઘુવીર લાલે જણાવ્યું હતું કે દુર્ઘટના સવારે આશરે 11:30 વાગ્યે બની હતી. ચાર સીટર એરક્રાફ્ટમાં ઇન્સ્ટ્રક્ટર અને ટ્રેઇની પાયલોટ સવાર હતા. બંને પાયલોટને કુલ આશરે 3,000 કલાકનો વિમાન ઉડાવવાનો અનુભવ હોવાનું પણ જણાવાયું છે.
અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ
દુર્ઘટનાની જાણ તાત્કાલિક DGCAને કરવામાં આવી હતી. એરક્રાફ્ટ કયા કારણોસર ક્રેશ થયું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. એરક્રાફ્ટ કોઈ વસ્તુ સાથે અથડાયું હતું કે પછી ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણસર દુર્ઘટના સર્જાઈ હતી તે અંગે પોલીસ અને સંબંધિત અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
ઘટનાસ્થળે એરક્રાફ્ટનો કાટમાળ વિખેરાયેલો હોવાથી અધિકારીઓ દ્વારા જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે.









