દેશમાં શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય સાધનોમાં રોકાણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેની સીધી અસર બેંકોની થાપણો પર પડી રહી છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોમાં લોનની માંગ ઝડપથી વધી રહી છે, પરંતુ તેની સરખામણીએ ડિપોઝિટમાં વધારો ધીમો રહેતાં બેંકોની નાણાકીય વ્યવસ્થા પર દબાણ વધી રહ્યું છે.
હાલમાં ખાનગી ક્ષેત્રની બેંકોની થાપણ વૃદ્ધિ જાહેર ક્ષેત્રની બેંકો કરતાં વધુ રહી છે. જૂન ક્વાર્ટરમાં ખાનગી બેંકોની થાપણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે 14.3 ટકા નોંધાઈ હતી, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં આ દર માત્ર 10.7 ટકા રહ્યો હતો. બીજી તરફ ધિરાણની માંગમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી જાહેર ક્ષેત્રની બેંકો માટે વધારાના નાણાંની જરૂરિયાત ઊભી થઈ છે.
ડિપોઝિટ વધારવામાં સરકારી બેંકો પાછળ
જાહેર ક્ષેત્રની બેંકો ગ્રાહકો પાસેથી નવી થાપણો મેળવવામાં ખાનગી બેંકોની સરખામણીએ પાછળ રહી છે. ગ્રાહકોને આકર્ષવા માટે ખાનગી બેંકો વિવિધ ડિપોઝિટ સ્કીમ અને રોકાણ વિકલ્પો રજૂ કરી રહી છે, જ્યારે સરકારી બેંકોમાં થાપણો વધારવાના પ્રયાસોની ગતિ પ્રમાણમાં ધીમી હોવાનું જોવા મળી રહ્યું છે.
આ દરમિયાન સરકારી યોજનાઓ, ઉદ્યોગો તથા અન્ય ક્ષેત્રોમાં લોનની માંગ વધતાં જાહેર ક્ષેત્રની બેંકોને વધુ ધિરાણ કરવું પડી રહ્યું છે. પરિણામે તેમની ક્રેડિટ-ડિપોઝિટ રેશિયોમાં પણ વધારો થયો છે.
હવે બહારના સ્ત્રોતો પર આધાર
થાપણોની સરખામણીએ લોનનું પ્રમાણ વધતાં જાહેર ક્ષેત્રની બેંકોને ધિરાણ માટે જરૂરી નાણાં મેળવવા અન્ય સ્ત્રોતોનો સહારો લેવો પડી રહ્યો છે. એટલે કે બેંકો હવે માત્ર ગ્રાહકોની ડિપોઝિટ પર આધાર રાખીને લોન આપી શકે તેવી સ્થિતિમાં નથી.
શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પોમાં લોકોનું રોકાણ વધવાથી બેંક ડિપોઝિટ પર દબાણ વધી રહ્યું છે. જો આવનારા સમયમાં આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને લોનની માંગ પણ ઊંચી રહેશે, તો જાહેર ક્ષેત્રની બેંકો માટે ડિપોઝિટ વધારવી અને ધિરાણની માંગ પૂરી કરવી મોટો પડકાર બની શકે છે.








