ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં બુધવારે સાંજે જાણીતા હરિયાણવી સિંગર અને યુટ્યુબર અંકિત બાલિયાનની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. 32 વર્ષીય અંકિત જિમમાંથી કસરત કરીને બહાર નીકળ્યો હતો અને પોતાની સ્કોર્પિયો કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે બે બાઇક પર આવેલા ચાર હુમલાખોરોએ તેના પર અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ઘટના સાંજે આશરે 7 વાગ્યાની આસપાસ બની હતી. હુમલાખોરોએ લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી પાંચ ગોળી અંકિતના માથા અને પેટના ભાગે વાગતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ
હત્યાની ઘટના બાદ અંકિતના પરિવારજનો, સમર્થકો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. રોષે ભરાયેલા લોકોએ દિલ્હી-મુઝફ્ફરનગર રોડ પર ચક્કાજામ કરીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. અંકિતની માતા પુત્રના મૃતદેહને ખોળામાં રાખીને આક્રંદ કરતી જોવા મળતાં ઘટનાસ્થળે કરુણ દૃશ્યો સર્જાયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજ કબજે કરીને હુમલાખોરોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો પણ બનાવવામાં આવી છે.
હરિયાણવી ગીતોથી બનાવી હતી આગવી ઓળખ
શામલીના બાંતિખેડા ગામના રહેવાસી અંકિત બાલિયાન યુટ્યુબ પર લોકપ્રિય હતો. તેના ચેનલ પર 3.66 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા. હરિયાણવી ગીતો માટે જાણીતા અંકિતનું ‘ભારી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ ગીત તાજેતરમાં ખાસ ચર્ચામાં રહ્યું હતું.
સંગીત ઉપરાંત અંકિત સ્થાનિક રાજકારણમાં પણ પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. તે જિલ્લા પંચાયતની રાજનીતિમાં સક્રિય થવાની તૈયારીમાં હતો તેવી માહિતી સામે આવી છે.
અખિલેશ યાદવે ઉઠાવ્યા કાયદો-વ્યવસ્થા પર સવાલ
ઘટના બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ઘટનાની ગંભીરતાથી તપાસ કરવાની અને હત્યા પાછળના સંભવિત રાજકીય એંગલની પણ તપાસ કરવાની માંગ કરી છે.
હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજ, ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને અન્ય પાસાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હુમલાખોરોની ધરપકડ બાદ જ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવે તેવી શક્યતા છે.








