સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ટેરી ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલી બસને પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે જોરદાર ટક્કર મારતાં બસમાં સવાર 3 યાત્રીઓનાં મોત થયા હતા, જ્યારે 11 મુસાફરો ઘાયલ થયા છે.
ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
બનાવની માહિતી મળતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી તમામ ઘાયલોને બસમાંથી બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્મતમાં ત્રણ મુસાફરોના મોત થતાં તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બસને પાછળથી ટ્રકે ટક્કર મારવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.








